Delhi હાઈકોર્ટનો Google-Appleને આદેશ: પોર્નોગ્રાફિક, ક્રાઇમ અને ગેરકાયદે કન્ટેન્ટ આપતી એપ્સ દૂર કરો

બાર એન્ડ બેન્ચ અનુસાર દિલ્હી હાઈકોર્ટે ટેક કંપનીઓ Google અને Appleને પોર્નોગ્રાફિક, ક્રાઇમ અને ગેરકાયદેસર કન્ટેન્ટ આપતી મોબાઇલ એપ્સ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. આ આદેશ રૂબિકા થાપા દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિત અરજી (PIL) બાદ આપવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ તેજસ કારિયાની ડિવિઝન બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે Google અને Apple જેવી મધ્યસ્થ કંપનીઓ આ વિશે કોઈ પણ પગલું ન ઉપાડે એ નહીં ચાલે.
કંપનીઓએ વધુ કડક તપાસ કરવી જરૂરી: હાઈકોર્ટ
કોર્ટે જણાવ્યું કે આવી એપ્સને તેમના પ્લેટફોર્મ પર મંજૂરી આપતા પહેલાં મધ્યસ્થોએ વધુ સાવચેતી અને તપાસ રાખવી જોઈએ. આ વિશે બેન્ચે કહ્યું કે, “આવી એપ્લિકેશન્સની દરેક યુઝર્સ સુધીની પહોંચને ધ્યાનમાં રાખીને અમારી માન્યતા છે કે IT (Intermediary Guidelines and Digital Media Ethics Code) Rules, 2021 અનુસાર કંપનીઓએ માત્ર ફરિયાદ મળ્યા પછી જ નહીં, પરંતુ આવી એપ્લિકેશન્સને અપલોડ કરવાની મંજૂરી આપતી વખતે પણ જરૂરી સાવચેતી રાખવાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે.”
આવી એપ્સથી સમગ્ર જનરેશનને નુકસાન ન થવું જોઈએ: બેન્ચ
બેન્ચે ચેતવણી આપી કે આવી એપ્સના કારણે દેશની દરેક જનરેશન પીડાય તે સ્વીકાર્ય નથી. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે કંપનીઓ પર Information Technology Rules, 2021નું પાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી છે. કોર્ટે Apple, Google અને Indian Computer Emergency Response Teamને આવી સામગ્રીના પ્રસારને તરત જ રોકવા અને આ નિયમોનું ચોક્કસપણે કોઈપણ જાતની ઢીલ રાખ્યા વગર પાલન થાય તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે.
કાર્યવાહી માટેનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ
કોર્ટે Google, Apple અને ભારત સરકારને આગામી જુલાઈમાં નિર્ધારિત સુનાવણી પહેલાં કરવામાં આવેલી કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા પણ કહ્યું છે. આ પગલું દર્શાવે છે કે કોર્ટે એપ પ્લેટફોર્મ પરના તમામ કન્ટેન્ટ પર નિયંત્રણ રાખવા માટે ટેક કંપનીઓની જવાબદારી નક્કી કરવા માટે કડક વલણ અપનાવ્યું છે.

