મોંઘવારી વચ્ચે રેશનના ચોખામાં ઘટાડો, 3 કિલોના બદલે હવે 1 કિલો

Ration Card Holders: સરકારી સસ્તા અનાજની દુકાનો પર કાર્ડધારકોને વ્યક્તિદીઠ 3 કિલો ચોખા મળતા હતા, જેમાં સરકારે કાપ મૂકીને હવે વ્યક્તિદીઠ માત્ર 1 કિલો ચોખા આપવાનું નક્કી કર્યું છે. રાજ્ય અન્ન નાગરિક પુરવઠા વિભાગે ચાલુ સપ્ટેમ્બર મહિનાના રેશનિંગના અનાજમાં કાપ મૂકતાં ગરીબ-મધ્યમના રેશનકાર્ડ ધારકોમાં નારાજગી વ્યાપી છે.
દાળ-ભાત અને ખીચડી ખાનારા કાર્ડધારકોની મુશ્કેલી વધી
હવે ચોખાના જથ્થામાં 2 કિલોનો ઘટાડો કરીને તેની સામે પૌષ્ટિક અનાજ તરીકે વ્યક્તિદીઠ 2 કિલો બાજરી આપવાનું નવું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું છે. પરિણામે, આ મહિને રેશનકાર્ડ ધારકોને ચોખા ખૂબ જ ઓછી માત્રામાં મળી રહ્યા છે અને તેની સામે ઘઉં-બાજરીનો જથ્થો વધુ પ્રમાણમાં મળી રહ્યો છે.
સામાન્ય રીતે ગુજરાતી પરિવારોના રોજિંદા આહારમાં ચોખાનો મોટો અને મહત્ત્વનો હિસ્સો છે. મોટાભાગના ઘરોમાં દાળ-ભાત અને ખીચડી જેવા પરંપરાગત ભોજન નિયમિત રીતે બને છે. રેશનકાર્ડ ધારકોનું કહેવું છે કે, ઘરોમાં ઘઉં અને બાજરી કરતાં ચોખાનો વપરાશ ઘણો વધારે છે. અચાનક ચોખાનો જથ્થો ઘટાડી દેવાતા હવે પરિવારોને બહાર ખુલ્લા બજારમાંથી ઊંચા ભાવે ચોખા ખરીદવાની ફરજ પડશે, જેનાથી તેમનું ઘરનું બજેટ ખોરવાઈ જશે.
અગાઉ પુરવઠા વિભાગ દ્વારા વ્યક્તિદીઠ 1 કિલો બાજરી અપાતી હતી, જે આ મહિને વધારીને 2 કિલો કરાઈ છે. રેશન દુકાનો પર અનાજનો નવો જથ્થો પહોંચી ગયો છે, પરંતુ કાર્ડધારકોમાં એવી ચર્ચા છે કે આ વધારાની બાજરીનો તેમની જરૂરિયાત મુજબ ઉપયોગ થતો નથી. ગ્રાહકો હવે રેશન સંચાલકો પાસે બાજરીના બદલે અગાઉની જેમ જ વ્યક્તિદીઠ 3 કિલો ચોખા આપવાની માંગ કરી રહ્યા છે અને સરકાર આ નિર્ણય પર પુનઃવિચાર કરે તેવી માંગ ઊઠી છે.

