VIDEO: વડોદરામાં મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસનું પ્રદર્શન, 10થી વધુ આગેવાનોની અટકાયત
વડોદરામાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માંજલપુરના પાટીદાર ચાર રસ્તા પાસે શહેર કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો રસ્તા પર ઉતરી સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગેસ, પેટ્રોલ અને ખાદ્યચીજોના વધતા ભાવને લઈને કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
વિરોધ પ્રદર્શનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, કોર્પોરેટરો, કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. મહિલા કાર્યકરોએ પણ વિરોધમાં ભાગ લીધો હતો. આ દરમિયાન કાર્યકરોએ મોંઘવારીના મુદ્દે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ
કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓને અટકાવવાનો પ્રયાસ કરતાં પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે નજીવું ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે દસથી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. બાદમાં તેમને પોલીસ વાનમાં બેસાડી સ્થળ પરથી ખસેડવામાં આવ્યા હતા.
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે મોંઘવારીના કારણે સામાન્ય લોકો માટે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને ખાદ્યચીજોના ભાવમાં વધારાને કારણે લોકો પર આર્થિક ભાર વધી રહ્યો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો.
'પોલીસના બળથી અવાજ દબાવવાનો પ્રયાસ'
વિરોધ દરમિયાન કોંગ્રેસ આગેવાનોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે મોંઘવારી સામે લોકોનો અવાજ ઉઠાવવો તેમનો લોકશાહી અધિકાર છે. કોંગ્રેસે પોલીસની કાર્યવાહી સામે પણ નારાજગી વ્યક્ત કરી અને પોલીસના બળથી વિરોધનો અવાજ દબાવવાનો આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને કારણે માંજલપુરના પાટીદાર ચાર રસ્તા પાસે ટ્રાફિકને પણ અસર થઈ હતી. જેના પગલે વાહનચાલકોને થોડા સમય માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

