VIDEO: ‘22 હજાર કરોડનું રાશન કૌભાંડ’, દિલ્હીની વિધાનસભામાં AAPનો હોબાળો, 8 MLAને બહાર કઢાયા
દિલ્હી વિધાનસભામાં કથિત રાશન કૌભાંડના મુદ્દે સત્તાધારી ભાજપ અને મુખ્ય વિપક્ષ આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું છે. આપના ધારાસભ્યો સબ્સિડીવાળા ચોખાની ખરીદી અને વિતરણમાં ગડબડ અંગે તાત્કાલિક ચર્ચા કરવાની માગ સાથે હોબાળો કરી રહ્યા હતા. વિવાદ એટલો વધી ગયો કે વિધાનસભા અધ્યક્ષના આદેશ બાદ આપના 8 ધારાસભ્યોને માર્શલ દ્વારા ગૃહમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.
ચોખાના મુદ્દે વિધાનસભામાં ભારે ધમાસાણ
વિધાનસભાની કાર્યવાહી દરમિયાન આપ ધારાસભ્યોએ કથિત રાશન કૌભાંડનો મુદ્દો ઉઠાવી સરકાર પાસે જવાબ માગ્યો હતો. વિપક્ષનો હંગામો વધતાં વિધાનસભા અધ્યક્ષે તેમના વર્તનને અયોગ્ય ગણાવ્યું હતું અને સ્પષ્ટ કર્યું હતું કે ગૃહમાં આવું આચરણ ચલાવી લેવાશે નહીં, જેના પછી 8 ધારાસભ્યોને માર્શલ આઉટ કરાયા હતા. બીજી તરફ, મંત્રી મનજિંદર સિંહ સિરસા (Manjinder Singh Sirsa) એ આ આરોપોને ફગાવતા આપ ધારાસભ્ય કુલદીપ કુમાર (Kuldeep Kumar) પર ગૃહમાં ચોખા ફેંકીને ગૃહનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો હતો.
22 હજાર કરોડના કૌભાંડનો આપનો દાવો
આમ આદમી પાર્ટીની દિલ્હી યુનિટના પ્રમુખ સૌરભ ભારદ્વાજે (Saurabh Bharadwaj) દાવો કર્યો કે અસમની એક કંપની અને દિલ્હી સરકાર દ્વારા ભારતીય ખાદ્ય નિગમ (FCI) પાસેથી દર અઠવાડિયે આશરે 31 હજાર મીટ્રિક ટન સબ્સિડીવાળા ચોખાની માગ કરવામાં આવી હતી. તેમનો આરોપ છે કે ગરીબો માટેના આ ચોખા હરિયાણાની એક ખાનગી કંપનીને નફા પર વેચવાની યોજના હતી. આપનો દાવો છે કે આનાથી દર અઠવાડિયે 143 કરોડ અને 3 વર્ષમાં આશરે 22 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ થઈ શક્યું હોત.
વિપક્ષનો સરકાર પર સીધો પ્રહાર
સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે સરકાર વિપક્ષને ગૃહમાં આ મહત્વના મુદ્દા પર ચર્ચા પણ કરવા દેતી નથી. તેમણે સવાલ ઉઠાવ્યો કે ગરીબોના નામે આટલી મોટી માત્રામાં ચોખાની માગ શા માટે કરવામાં આવી હતી? તેમણે મંત્રી પ્રવેશ વર્માના (Pravesh Verma) કથિત નિર્દેશ સામે પણ વાંધો ઉઠાવ્યો અને તેને વિધાનસભાના વિશિષ્ટ અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
આપનો દિલ્હી વિધાનસભા બહાર વિરોધ અને રાજીનામાની માગ
આ મુદ્દે દિલ્હી વિધાનસભાની બહાર પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી મનજિંદર સિંહ સિરસાના રાજીનામાની માગ સાથે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આપનો આક્ષેપ છે કે દિલ્હીના ગરીબ અને સ્થળાંતરિત લોકો માટે સબ્સિડી પર મળતો ચોખાનો જથ્થો હરિયાણાની એક ખાનગી કંપનીને બ્લેક માર્કેટમાં વેચી દેવામાં આવ્યો છે. આપ ધારાસભ્ય સંજીવ ઝાએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, 'આ ચોખા એફસીઆઈ (FCI) ના હતા અને ભાજપે તેને ઓપન માર્કેટમાં વેચી દીધા. દર અઠવાડિયે 1,31,000 મીટ્રિક ટન ચોખા ઓપન માર્કેટમાં વેચીને અઠવાડિયે આશરે 500 કરોડ અને કુલ 22,000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવાનો પ્રયાસ કરાયો હતો. આ મુદ્દા પર વિધાનસભામાં નિયમ 55 હેઠળ ચર્ચા કરાવવા અમે માંગ કરી છે.'
દિલ્હી સરકારે આરોપો પાયાવિહોણા ગણાવ્યા
સામે પક્ષે દિલ્હી સરકારે આપના તમામ આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાશન અને ચોખાની વ્યવસ્થા અંગે લગાવવામાં આવી રહેલા તમામ આરોપો તથ્યહીન છે. આમ, એક તરફ આપ 22 હજાર કરોડના કૌભાંડની તપાસ અને ચર્ચાની માગ કરી રહી છે, તો બીજી તરફ સરકાર તેને વિપક્ષનું માત્ર રાજકારણ ગણાવી રહી છે.

