VIDEO: રાહુલ ગાંધીએ ‘શુદ્ધિકરણ’ મુદ્દો ઉઠાવ્યો, SC/ST એક્ટ હેઠળ FIRની કરી માંગ; ભાજપ-RSS પર સાધ્યું નિશાન
નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ શનિવારે ભાજપ (BJP) અને RSS પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સમાજમાં દલિતો (Dalits) સાથે હજુ પણ ભેદભાવ થતો હોવાનો આરોપ લગાવતા ઉત્તરાખંડમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ થયેલા ‘શુદ્ધિકરણ’ના મુદ્દે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ આવા કૃત્ય કરનારા લોકો સામે SC/ST એક્ટ હેઠળ FIR નોંધવાની માંગ કરી છે.
ખડગેની સભા બાદ ‘શુદ્ધિકરણ’નો મુદ્દો
રાહુલ ગાંધીએ કહ્યું કે થોડા દિવસ પહેલાં મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) ઉત્તરાખંડના હલ્દ્વાની ગયા હતા અને જ્યાં તેમની સભા યોજાઈ હતી, ત્યાં બાદમાં ‘શુદ્ધિકરણ’ કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ખડગેએ રાજ્યસભામાં પોતાની પીડા વ્યક્ત કરી હતી.
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આવી કોઈ ઘટનાને સ્વીકાર્ય ન ગણાવી અને તપાસ બાદ કાર્યવાહી કરવાની વાત કરી હતી. પરંતુ ભાજપના મહેન્દ્ર ભટ્ટે ‘શુદ્ધિકરણ’ને યોગ્ય ઠેરવ્યું હોવાનો આરોપ રાહુલ ગાંધીએ લગાવ્યો હતો.
તેમણે સવાલ કર્યો કે જો દેશના અલગ-અલગ વર્ગો સાથે આ પ્રકારનો ભેદભાવ ચાલુ રહેશે તો શું આ રીતે દેશને એકજૂટ રાખી શકાશે?
‘આઝાદીના 80 વર્ષ બાદ પણ અત્યાચાર’
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત વિવિધતા (Diversity)થી ભરેલો દેશ છે. અહીં અનેક જાતિઓ, ધર્મો, ભાષાઓ અને સંસ્કૃતિઓ છે. તેમ છતાં આઝાદીના 80 વર્ષ બાદ પણ દલિતો સામે અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે.
તેમણે દાવો કર્યો કે કેટલીક જગ્યાએ દલિત વ્યક્તિ દ્વારા ઘડાને અડવાથી લઈને મૂછ રાખવા, મંદિરમાં પ્રવેશ કરવા અથવા ઘોડી પર લગ્નની જાન કાઢવા જેવી બાબતોને લઈને હુમલા અને અત્યાચારની ઘટનાઓ બને છે.
‘દલિતો સાથે દરેક પગલે ભેદભાવ’
રાહુલ ગાંધીએ ચા-નાસ્તાની દુકાનોનું ઉદાહરણ આપતાં કહ્યું કે કેટલાક વિસ્તારોમાં આજે પણ અલગ-અલગ પ્રકારના કપનો ઉપયોગ થતો હોવાનો દાવો કરવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ, કાચનો કપ એક વર્ગ માટે અને કાગળ કે પ્લાસ્ટિકનો કપ બીજા વર્ગ માટે રાખવામાં આવે છે.
તેમણે કહ્યું કે આ પ્રકારનો ભેદભાવ (Discrimination) માત્ર એક સ્થળ કે એક ઘટનાનો મુદ્દો નથી, પરંતુ સમાજમાં રહેલી ઊંડી અસમાનતા તરફ ધ્યાન દોરે છે.
SC/ST એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ
રાહુલ ગાંધીએ ‘શુદ્ધિકરણ’ની ઘટના અંગે જવાબદાર લોકો સામે SC/ST એક્ટ હેઠળ FIR નોંધવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે દેશના બંધારણ (Constitution)માં સમાનતા અને ન્યાયના મૂલ્યો આપવામાં આવ્યા છે, તેથી જાતિના આધારે ભેદભાવને કોઈપણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં.
આ નિવેદન બાદ ઉત્તરાખંડની ઘટના અને ભાજપની અંદરની પ્રતિક્રિયાઓને લઈને રાજકીય ચર્ચા વધુ ગરમાવાની શક્યતા છે.

