VIDEO: '24 કલાક વિકાસની વાતો કરો છો, હકિકતમાં 24 કલાક ભ્રષ્ટાચાર ચાલે છે' : બાલાઘાટમાં રાહુલ ગાંધીએ મોદી સરકારને લીધી આડેહાથ
મધ્યપ્રદેશના બાલાઘાટ પ્રવાસે પહોંચેલા લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આદિવાસી વિસ્તારોની ગંભીર સ્થિતિને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે આકરા તેવર અપનાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વિસ્તારમાં અનેક નિર્દોષ બાળકો બીમારી અને કુપોષણને કારણે મોતને ભેટી રહ્યા છે, છતાં શાસન તરફથી સ્વાસ્થ્ય, શિક્ષણ કે રોજગાર જેવી પાયાની સુવિધાઓ આપવા માટે કોઈ જ સહાય મળતી નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, "એવું લાગે છે કે ભારતના હૃદય સમાન આ વિસ્તારના લોકોને સાવ નોંધારા છોડી દેવાયા છે. જાણે તેમના માટે ન તો કેન્દ્ર સરકારનું અસ્તિત્વ છે, ન તો મધ્યપ્રદેશ સરકારનું."
કુપોષણ અને આરોગ્ય કટોકટી
રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશ વિસ્તારમાં બાળકોના કુપોષણ અને બીમારીથી થતા મોતના મુદ્દે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને આરોગ્ય સેવાઓની સંપૂર્ણ ગેરહાજરી સામે સવાલો ઉઠાવ્યા હતા. જમીન વિવાદો, મનરેગા (MGNREGA), અને ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ (વન અધિકાર કાનૂન) હેઠળ મળવાપાત્ર જમીન હકો હજુ સુધી ઉકેલાયા નથી અને આદિવાસીઓને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.
'કઈ દુનિયામાં જીવો છો?'
શાસક પક્ષ પર નિશાન સાધતા રાહુલગ ગાંધીએ કહ્યું, "તમે કઈ દુનિયામાં જીવો છો તેની ખબર નથી. તમે 24 કલાક વિકાસની વાતો કરો છો જ્યારે હકીકતમાં 24 કલાક ભ્રષ્ટાચાર ચાલે છે. પરંતુ જ્યારે આદિવાસી ભાઈ-બહેનોને મદદની જરૂર હોય છે ત્યારે સરકાર ક્યાંય નજરે પડતી નથી." રાહુલ ગાંધીએ ચેતવણીના સૂરમાં સરકારને પોતાની જવાબદારી નિભાવવા અને તાત્કાલિક હોસ્પિટલો તથા શાળાઓ ઊભી કરવા તાકીદ કરી હતી. સાથે જ તેમણે આશ્વાસન આપ્યું કે, કોંગ્રેસની સરકાર સત્તામાં આવતાની સાથે જ આ તમામ અન્યાય દૂર કરી આદિવાસી સમાજને તેમના વાજબી અધિકારો અપાવવામાં આવશે.

