VIDEO: "પ્રશ્નો પૂછતા યુવાનો દેશદ્રોહી નથી, Gen Z પર મને પૂર્ણ ભરોસો"; RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન
દિલ્હી સહિત દેશભરમાં વિદ્યાર્થીઓ અને યુવાનોના વિરોધ પ્રદર્શન અને તેના પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે. મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સંબોધન કરતા મોહન ભાગવતે દેશની નવી પેઢી (Gen Z અને Gen Alpha) પર પૂર્ણ ભરોસો વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેઓ નવી પેઢી પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે અને સુધારા માટે અવાજ ઉઠાવવો તથા સવાલો પૂછવા એ યુવાનોનો લોકતાંત્રિક અધિકાર છે. તેમણે ઉમેર્યું હતું કે અમારી પેઢી જ્યારે યુવાન હતી ત્યારે વડીલોના આદેશો આંખ બંધ કરીને માનતી હતી, પરંતુ આજનો યુવાવર્ગ દરેક વાતમાં તર્ક અને પ્રેમાળ સમજૂતી માંગે છે.
'વિરોધ કરનારાઓને દેશદ્રોહીનું લેબલ ન આપો'
તાજેતરમાં જંતર-મંતર અને દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ, ટિયર ગેસ અને પેલેટ ગનના ઉપયોગના અહેવાલો અંગે બોલતા મોહન ભાગવતે કહ્યું હતું કે, તેમની પાસે આ ઘટનાઓની સંપૂર્ણ અને અધિકૃત માહિતી નથી. પરંતુ તેઓ ક્યારેય Gen Z ને આંદોલન ના કરવાનો આદેશ નહીં આપે. Gen Z અને Gen Alpha સત્તાને સવાલ પૂછે છે અને પ્રેમથી તાર્કિક જવાબો માંગે છે. જો યુવાનો બૂમો પાડી રહ્યા હોય, તો તે કોઈનો વિરોધ કરવા માટે નહીં પરંતુ સિસ્ટમમાં સુધારા લાવવા માટે છે. માત્ર શેરીઓમાં ઉતરીને પ્રદર્શન કરવાથી કોઈ આંદોલન કે યુવાન દેશદ્રોહી બની જતો નથી.
મોહન ભાગવતે જણાવ્યું હતું કે, પ્રશ્નો પૂછતા યુવાનોને દેશદ્રોહી કે રાષ્ટ્રવિરોધી જાહેર કરવાને બદલે તેમની સાથે કરુણા, સંવેદના અને સંવાદનો માર્ગ અપનાવવો જોઈએ. આજની પેઢી એ દેશની સૌથી વધુ પ્રામાણિક પેઢી છે અને તેમનો અવાજ સાંભળવો અત્યંત જરૂરી છે.
શિક્ષણનું વ્યાપારીકરણ બંધ થાય, 6% બજેટ ફાળવણીની માંગને સમર્થન
દેશની શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક સુધારાની જરૂરિયાત પર ભાર મુકતા RSS પ્રમુખે જણાવ્યું હતું કે શિક્ષણ એ કોઈ વેપાર કે વ્યવસાય નથી. દેશના કુલ બજેટમાંથી 6% રકમ શિક્ષણ માટે ફાળવવાની વર્ષો જૂની માંગને તેમણે યોગ્ય ગણાવી હતી. જોકે, તેમણે ઉમેર્યું હતું કે શિક્ષણ એ માત્ર સરકારની જ જવાબદારી નથી પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. ફી માળખામાં સુધારો કરવો, શિક્ષકોને યોગ્ય તાલીમ આપવી અને શિક્ષણનો આર્થિક બોજ ઘટાડવો એ વર્તમાન સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
પાકિસ્તાન, ચીન અને LGBTQ+ મુદ્દે સંઘ વડાનું વલણ
પોતાના સંબોધનમાં મોહન ભાગવતે વિદેશ નીતિ અને સામાજિક મુદ્દાઓ પર પણ મહત્વપૂર્ણ મંતવ્યો રજૂ કર્યા હતા. સંઘર્ષના સમયે દેશવાસીઓએ સરકારના નિર્ણયો સાથે મજબૂતીથી ઊભા રહેવું જોઈએ. પાકિસ્તાન કે ચીન સાથે વાતચીતનો માર્ગ ખુલ્લો રાખવો જોઈએ. શાશ્વત નફરત કોઈ સમસ્યાનો ઉકેલ નથી, કારણ કે સમગ્ર માનવતા એક છે.
સમલૈંગિકતા અને LGBTQ+ સમુદાય અંગે બોલતા તેમણે કહ્યું કે, આ લોકો પણ આપણા જ સમાજનો અવિભાજ્ય હિસ્સો છે અને ભારતીય પરંપરામાં તેમને સ્વીકારવાની પ્રાચીન પ્રથા રહી છે. જોકે, લગ્ન એ બે લોકો વચ્ચેનો કરાર નથી પરંતુ સમાજનો પાયાનો એકમ છે. આથી 'સમેક્સ વિવાહ' (Same-Sex Marriage) ને બદલે 'સમેક્સ સાથીપણું' (Same-Sex Companionship) માટે સમાજે યોગ્ય માળખું ઊભું કરવું જોઈએ.

