‘જ્ઞાનેેશ કુમારના રાજીનામા સુધી વિરોધ નહીં અટકે’, રાહુલ ગાંધીએ કરી જાહેરાત

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેેશ કુમાર અને કેન્દ્ર સરકાર પર આકરા આક્ષેપ કર્યા છે. મંગળવારે ‘વોટ અધિકાર જીને કા અધિકાર’ જનસુનાવણીમાં ભાગ લેતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે SIRના મુદ્દે સમગ્ર વિપક્ષ એકજૂથ છે અને જ્ઞાનેેશ કુમાર રાજીનામું ન આપે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે દેશના દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર છે, પરંતુ SIRની પ્રક્રિયા દ્વારા કરોડો લોકો આ અધિકારથી વંચિત થઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ગરીબ લોકોનાં નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યાં છે, જેના કારણે તેમના મતદાનના અધિકાર પર અસર પડી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેેશ કુમારને અનેક સવાલો પૂછ્યા છે, પરંતુ તેમના તરફથી જવાબ આપવામાં આવતા નથી. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી જ્ઞાનેેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી વિપક્ષ પોતાનો વિરોધ ચાલુ રાખશે.
‘મત ચોરી’ના મુદ્દે સરકારને ઘેરી
જનસુનાવણીને સંબોધતાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે દેશમાં ઉચ્ચ સ્તરે મત ચોરી થઈ રહી હોવાની વાત હવે લોકો સમજવા લાગ્યા છે. તેમણે કહ્યું હતું કે વિપક્ષ લાંબા સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છે અને SIRની પ્રક્રિયાને કારણે મોટી સંખ્યામાં નાગરિકોના મતાધિકાર પર અસર થતી હોવાનો તેમનો આક્ષેપ છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે દેશમાં એવું ભારત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં માત્ર પસંદગીના અબજોપતિઓના હિતોને પ્રાધાન્ય મળે. તેમના મતે, આવા માળખામાં સામાન્ય નાગરિકો અને ગરીબ વર્ગના અધિકારો મર્યાદિત થઈ શકે છે. કોંગ્રેસના નેતાએ ફરી ભારપૂર્વક જણાવ્યું હતું કે મતદાનનો અધિકાર લોકશાહીનો મહત્ત્વનો આધાર છે અને તેને સુરક્ષિત રાખવા માટે વિપક્ષનો સંઘર્ષ ચાલુ રહેશે.






