મુંબઈના રંગે રંગાયા પ્રિન્સ વિલિયમ અને કેટ: સચિન તેંડુલકર સાથે ગલી ક્રિકેટ રમી, 10 વર્ષ જૂની યાદો તાજી કરી

જ્યારે બ્રિટનના ભાવિ રાજા અને રાણી મુંબઈની ઐતિહાસિક ગલીઓમાં ઉતરે અને તેમની સાથે 'ક્રિકેટના ભગવાન' સચિન તેંડુલકર હોય, ત્યારે નજારો કેવો હોય? સોમવારે મુંબઈમાં કંઈક આવું જ અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું. બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટન પોતાના 3 દિવસના ભારત પ્રવાસની શરૂઆતમાં જ શાહી પ્રોટોકોલથી દૂર મુંબઈની અસલી સ્ટ્રીટ લાઈફનો આનંદ માણતા જોવા મળ્યા હતા. '2026 અર્થશોટ પ્રાઈઝ'ના કાર્યક્રમ માટે ભારત આવેલા પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સે પ્રવાસના પહેલા જ દિવસે મુંબઈની સડકો પર ક્રિકેટ, કુલ્હડ ચા અને સ્ટ્રીટ ફૂડની મજા માણી હતી.
સચિન તેંડુલકર અને સ્કૂલની વિદ્યાર્થિનીઓ સાથે 'ગલી ક્રિકેટ'
સોમવારે સવારે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટે ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકર અને સ્કૂલના બાળકો સાથે મળીને મુંબઈમાં 'ગલી ક્રિકેટ' રમી હતી. બેટ અને બોલ હાથમાં લઈને શાહી દંપતીએ યુવા ક્રિકેટરો સાથે ખૂબ જ હળવાશથી રમતનો આનંદ માણ્યો હતો.
બેલાર્ડ એસ્ટેટની સફર, 'કુલ્હડ' ચા અને સ્ટ્રીટ ફૂડનો સ્વાદ
સામાન્ય હાઈ-પ્રોફાઈલ પ્રવાસથી અલગ, સચિન તેંડુલકર શાહી દંપતીને મુંબઈના પ્રવાસી સ્થળો ઉપરાંત શહેરની અસલી સંસ્કૃતિનો પરિચય કરાવવા લઈ ગયા હતા. ત્રણેય મુંબઈના ઐતિહાસિક બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં સાથે ફરતા જોવા મળ્યા હતા. તેઓ ભારતના સૌથી જૂના ફોટોગ્રાફી સ્ટુડિયો પૈકીના એક 'હેમિલ્ટન સ્ટુડિયોઝ'ની બહાર પણ સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે મુંબઈના લોકલ સ્ટ્રીટ ફૂડ અને 'કુલ્હડ' ચાનો સ્વાદ પણ માણ્યો હતો.
10 વર્ષ બાદ ફરી તાજી થઈ 2016 ની યાદો
પ્રિન્સ વિલિયમ અને કેટનો મુંબઈ અને ક્રિકેટ સાથેનો સંબંધ એક દાયકો જૂનો છે. આ પહેલા એપ્રિલ 2016માં જ્યારે તેઓ તેમના પ્રથમ સત્તાવાર ભારત પ્રવાસે આવ્યા હતા, ત્યારે પણ તેમણે મુંબઈમાં સ્થાનિક બાળકો સાથે સ્ટ્રીટ ક્રિકેટ રમી હતી.







