ચેન્નાઈમાં સુપ્રીમ કોર્ટની બેન્ચ માટે CM વિજયની રજૂઆત, 1980થી પેન્ડિંગ માગને ફરી વેગ

તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે ચેન્નાઈમાં સુપ્રીમ કોર્ટની કાયમી બેન્ચ (Supreme Court Bench) સ્થાપવાની લાંબા સમયથી પેન્ડિંગ માગને ફરી ઉઠાવી છે. આ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જરૂરી પગલાં ભરવાની વિનંતી કરી છે. વિજયે રજૂઆત કરી છે કે દક્ષિણ ભારતના લોકોને ન્યાય મેળવવા માટે વારંવાર દિલ્હી સુધી લાંબી મુસાફરી કરવી પડે છે. ચેન્નાઈમાં સુપ્રીમ કોર્ટની બેન્ચ શરૂ થાય તો તમિલનાડુ સહિત દક્ષિણ ભારતનાં તમામ રાજ્યોના અરજદારોને રાહત મળી શકે છે.
1980થી ચાલી રહી છે માગ
મુખ્યમંત્રી વિજયે પોતાના પત્રમાં જણાવ્યું છે કે ચેન્નાઈમાં સુપ્રીમ કોર્ટની બેન્ચ સ્થાપવાનો પ્રસ્તાવ તમિલનાડુ દ્વારા વર્ષ 1980માં જ રજૂ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે 1979માં યોજાયેલી મુખ્ય ન્યાયાધીશોની (Chief Justices) પરિષદમાં પણ ચર્ચા થઈ હતી. તે સમયે દક્ષિણ ભારતના અરજદારોને પોતાની ફરિયાદોના નિવારણ માટે દિલ્હી સુધી જવું પડતું હોવાની મુશ્કેલી પર ધ્યાન દોરવામાં આવ્યું હતું. વિજયે જણાવ્યું કે બંધારણના ઘડવૈયાઓએ તમામ નાગરિકોને, પછી ભલે તેઓ અમીર હોય કે ગરીબ, અદાલતો સુધી પહોંચવાનો સમાન અધિકાર મળે તેવી કલ્પના કરી હતી. જોકે, દિલ્હીથી દક્ષિણ ભારતનું અંતર વધુ હોવાથી અહીંના નાગરિકો માટે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવું ખર્ચાળ અને મુશ્કેલ બને છે. ચેન્નાઈમાં બેન્ચ શરૂ થાય તો મુસાફરીનો સમય અને ખર્ચ બંને ઘટી શકે છે.
સંઘીય માળખાને મળશે મજબૂતી
વિજયના મતે ચેન્નાઈ દક્ષિણ ભારતનું મહત્ત્વનું કેન્દ્ર હોવાથી અહીં સુપ્રીમ કોર્ટની બેન્ચ સ્થાપવાથી સમગ્ર દક્ષિણ ભારતને લાભ થશે. આ પગલું દેશના સાચા સંઘીય માળખા (Federal Structure)ને પણ પ્રતિબિંબિત કરશે. તેમણે પત્રમાં મદ્રાસ હાઈકોર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેની સ્થાપના વર્ષ 1862માં થઈ હતી અને તે દેશની સૌથી જૂની હાઈકોર્ટ પૈકીની એક છે. અહીંના વકીલો પણ વ્યાવસાયિક રીતે સક્ષમ અને અનુભવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
2007માં સુપ્રીમ કોર્ટની ફુલ કોર્ટનો નિર્ણય
આ માગ અગાઉ પણ ચર્ચામાં રહી છે. વર્ષ 2007માં સુપ્રીમ કોર્ટની ફુલ કોર્ટ (Full Court)ની બેઠકમાં અગાઉના નિર્ણયથી અલગ થવાનું કોઈ કારણ જણાયું નહોતું. તે સમયે તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો માટે રહેઠાણ સહિત જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી હતી. હવે વિજયે વડાપ્રધાનને આ મુદ્દો ફરી સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉઠાવવા અને અગાઉના વલણ પર પુનર્વિચાર કરાવવા વિનંતી કરી છે. આ માગ પર કેન્દ્ર અને સુપ્રીમ કોર્ટનું આગળનું વલણ શું રહે છે તેના પર નજર રહેશે.





