VIDEO: દિલ્હીમાં પોલીસ છાવણી જેવો માહોલ: દેવેન્દ્ર યાદવ સહિત અનેકની અટકાયત, જંતર મંતર પાસે સાંસદોની બસો રોકવા મોટું બેરિકેડિંગ!
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષી ગઠબંધન INDIA બ્લોકનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. ગઈકાલના હાઈવોલ્ટેજ ડ્રામા અને મોડી રાત સુધી ચાલેલા ધરણાં બાદ, આજે પણ દિલ્હીમાં વિપક્ષી નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. વિપક્ષી સાંસદો જંતર-મંતર તરફ કૂચ કરવાની તૈયારીમાં હતા ત્યારે પોલીસે ચારેય તરફ નાકાબંધી કરીને રસ્તા સીલ કરી દીધા છે.
દેવેન્દ્ર યાદવ સહિત કાર્યકરોની અટકાયત
વિપક્ષી નેતાઓના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 લાગુ કરવામાં આવી છે. જંતર-મંતર ખાતે પહોંચેલા દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર યાદવ સહિત કોંગ્રેસ અને આપ (AAP)ના સંખ્યાબંધ કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. બીજી તરફ, કાશ્મીરી ગેટ સ્થિત દિલ્હી સીઈઓ (CEO) કચેરી બહાર પણ કાર્યકરોના દેખાવોને પગલે ભારે પોલીસ કાફલો તૈનાત છે.
સાંસદો લંચ બાદ બસોમાં જંતર-મંતર તરફ રવાના
આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષી ગઠબંધનના તમામ સાંસદો જનપથ સ્થિત એક રેસ્ટોરન્ટમાં લંચ માટે એકઠા થયા હતા. લંચ બાદ તમામ સાંસદો બસોમાં સવાર થઈને જંતર-મંતર પર ધરણાં કરવા નીકળ્યા હતા. જોકે, પોલીસે સંસદોને આગળ વધતા અટકાવવા માટે સમગ્ર માર્ગ પર બેરિકેડિંગ કરી દીધું છે.
રાહુલ ગાંધીનો પ્રહાર: ‘જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું જ પડશે, FIR મારા માટે મેડલ’
જંતર-મંતર તરફ આગળ વધતાં રાહુલ ગાંધીએ આક્રમક નિવેદન આપતાં કહ્યું, ‘ગઈકાલે અમે ચૂંટણી પંચને મળવા માંગતા હતા, પણ તેઓ મળ્યા નહીં અને પોલીસે અમને અટકાવ્યા. પીએમ મોદી, અમિત શાહ અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે લોકશાહીને નબળી પાડી છે. સીઈસી જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું જ પડશે. મારી સામે પહેલેથી જ 45 જેટલી FIR છે. મારો ટાર્ગેટ 100 FIRનો છે અને આ તમામ FIR મારા માટે સન્માનના મેડલ સમાન છે. અમે ડરવાના નથી.’
ખડગે અને પવન ખેડાનું નિવેદન: 'લોકોના અધિકાર માટે લડત ચાલુ રહેશે'
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, વિપક્ષ લોકશાહી બચાવવા માટે લડી રહ્યો છે અને ચૂંટણી પંચ સામેનો વિરોધ દેશભરમાં પહોંચાડવામાં આવશે. ત્યાં જ કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે, આ સાંસદો દેશના 64% લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. અમારા માટે FIR એ ડર નહીં પણ સન્માનનું પ્રતીક છે.
ગઈકાલે 9 કલાક ધરણાં, રાહુલ-પ્રિયંકા સહિત 250 લોકોની અટકાયત
ગઈકાલે મતદાર યાદી સુધારણા ઝુંબેશ હેઠળ કરોડો મતદારોના નામ કમી કરવા સામે 140થી વધુ વિપક્ષી સાંસદોએ સંસદથી ચૂંટણી પંચ સુધી 'સેવ ડેમોક્રસી માર્ચ' યોજી હતી. જોકે ચૂંટણી પંચથી 200-300 મીટર દૂર આકાશવાણી ભવન પાસે પોલીસે બેરિકેડિંગ કરી અટકાવતા વિપક્ષી સાંસદો ત્યાં જ ધરણાં પર બેસી ગયા હતા. આશરે 8થી 9 કલાક સુધી ચાલેલા આ ધરણાં બાદ ગઈકાલે રાત્રે પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કે.સી. વેણુગોપાલ, અખિલેશ યાદવ અને ડેરેક ઓ'બ્રાયન સહિત 50થી વધુ સાંસદો અને કુલ 250 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. આ મામલે દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિરુદ્ધ આકાશવાણી ભવનમાં પરવાનગી વિના ઘૂસવા અને ધરણાં કરવા બદલ FIR પણ નોંધી છે. મોડી રાત્રે 10 વાગ્યા પછી તમામને મુક્ત કરવામાં આવ્યા હતા.

