VIDEO: "45 FIR છે, 100 થાય તો પણ પરવા નથી!" દિલ્હીમાં જંતર-મંતર કૂચ પહેલાં રાહુલ ગાંધીનો કેન્દ્ર સામે ખુલ્લો પડકાર!
દિલ્હીમાં વિપક્ષી સાંસદો અને પોલીસ વચ્ચે ફરી એકવાર જોરદાર ઘર્ષણના એંધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે, તેઓ તમામ વિપક્ષી સાંસદો સાથે મળીને વિરોધ પ્રદર્શન માટે જંતર-મંતર તરફ આગળ વધી રહ્યા છે.
સીઈઓ કચેરી બહાર કોંગ્રેસ-AAPના કાર્યકરોના દેખાવો
આ અગાઉ ગઈકાલે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા (INDIA) બ્લોકના તમામ સાંસદો જંતર-મંતરથી માત્ર 100 મીટર દૂર જનપથ સ્થિત એકઠા થયા હતા. વિપક્ષના આ પગલાને ધ્યાને રાખીને સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે. બીજી તરફ, દિલ્હી સીઈઓ (CEO) કચેરી બહાર કોંગ્રેસ અને આપ (AAP)ના કાર્યકરો દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેને પગલે કાશ્મીરી ગેટ ખાતે ભારે પોલીસ કાફલો તૈનાત છે.
પોલીસની 'વેઇટ એન્ડ વોચ' નીતિ અને સુરક્ષા વ્યવસ્થા
દિલ્હી પોલીસ વિપક્ષી સાંસદોની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહી છે. પોલીસે હાલ 'વેઇટ એન્ડ વોચ' એટલે કે પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવાની વ્યૂહરચના અપનાવી છે. જોકે પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો સાંસદો જંતર-મંતર, કનોટ પ્લેસ કે વિન્ડસર પેલેસ તરફ આગળ વધવાનો પ્રયાસ કરશે તો તેમને તરત જ રોકવામાં આવશે. સ્થિતિને પહોંચી વળવા માટે પોલીસકર્મીઓને સાંસદોને અટકાવવા અને તેમની અટકાયત કરવાની સમગ્ર પ્રક્રિયા અંગે અગાઉથી જ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.
રાહુલ ગાંધીનું મોટું નિવેદન: '45 FIR છે, 100 થાય તો પણ પરવા નથી'
વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi)એ આક્રમક વલણ દાખવતાં જણાવ્યું કે, તેમના વિરુદ્ધ પહેલેથી જ 45 જેટલી FIR નોંધાયેલી છે અને જો તે વધીને 100 પણ થઈ જશે તો તે તેમના માટે કોઈ મેડલથી કમ નથી. તેમણે મક્કમ અવાજે કહ્યું કે તેઓ લોકશાહીના અવાજને દબાવવા નહીં દે અને પોતાના નિર્ધાર મુજબ વિપક્ષી સાંસદો સાથે જંતર-મંતર તરફ કૂચ કરીને જ રહેશે.
ગઈકાલનો ઘટનાક્રમ: સંસદથી ચૂંટણી પંચ સુધી 'સેવ ડેમોક્રસી માર્ચ'
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar) વિરુદ્ધ મત ચોરીના ગંભીર આક્ષેપો સાથે ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. મતદાર યાદી સુધારણા માટેના 'સર' અભિયાન હેઠળ કરોડો નાગરિકોના નામ કમી કરવા સામે વિરોધ નોંધાવતા ગઈકાલે 140થી વધુ વિપક્ષી સાંસદોએ સંસદથી ચૂંટણી પંચ સુધી 'સેવ ડેમોક્રસી માર્ચ' યોજી હતી. જોકે ચૂંટણી પંચથી 300 મીટર દૂર પોલીસે બેરિકેડિંગ કરીને અટકાવતા વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું અને બેરિકેડ પર ચઢીને તિરંગો પણ લહેરાવવામાં આવ્યો હતો. ગઈકાલે પોલીસે મુલાકાત ન કરવા દેતા વિપક્ષી નેતાઓ આકાશવાણી ભવન પરિસરમાં વૃક્ષ નીચે 9 કલાકથી વધુ સમય સુધી ધરણાં પર બેસી રહ્યા હતા.
અગાઉ રાત્રે અટકાયત અને રાજીનામાની માગ
ગઈકાલે મોડી રાત્રે દિલ્હી પોલીસે આકાશવાણી ભવનમાંથી પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi), અખિલેશ યાદવ (Akhilesh Yadav) સહિત 50થી વધુ સાંસદોની અટકાયત કરીને કિંગ્સવે કેમ્પ લઈ ગઈ હતી. વિપક્ષનો આક્ષેપ હતો કે કરોડો લોકોનું પ્રતિનિધિત્વ કરતા સાંસદોને મળવાનો પણ ઇનકાર કરવામાં આવી રહ્યો છે, જ્યારે સામા પક્ષે પંચે કોઈ પત્ર મળ્યો ન હોવાનો દાવો કર્યો હતો. આ સમગ્ર વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ (Saurabh Bharadwaj) દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે મુખ્ય ચૂંટણી કમિશનરે પોતાના પદેથી રાજીનામું આપી દેવું પડશે.

