મુંબઈના શિવાજી પાર્કમાં CJPના પ્રદર્શન પર પોલીસનો સપાટો, આયોજકો સહિત 500 લોકો સામે FIR

મુંબઈના શિવાજી પાર્કમાં 2 ઑક્ટોબરના રોજ યોજાયેલા CJPના વિરોધ-પ્રદર્શન મુદ્દે પોલીસે આકરી કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ પોલીસે કાર્યક્રમના આયોજકો તેમજ 400થી 500 જેટલા અજાણ્યા સમર્થકો અને પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.
BNS અને મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટ હેઠળ ગુનો દાખલ
શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ નંબર 515/26 હેઠળ આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા(BNS)ની કલમ 189 અને 223 તેમજ મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટની કલમ 37(1)(3)/135 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસ CJPના કાર્યક્રમના આયોજકો ઉપરાંત 400થી 500 જેટલા અજાણ્યા વિરોધ પ્રદર્શનકારીઓ સામે નોંધાયો છે.
સગીર બાળકોના ઉપયોગ અંગે NHRCની કડક નોંધ
આ પ્રદર્શનમાં સગીર બાળકોની કથિત સંડોવણી તેમજ સોશિયલ મીડિયા પર તેમના ફોટા અને વીડિયો વાયરલ થવા મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી. આયોગે માનવાધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993ની કલમ 12 હેઠળ આકરી સંજ્ઞાન લીધી હતી.
વિવિધ વિભાગોને નોટિસ અને તપાસના આદેશ
આ અંગેની ફરિયાદ સેવા ન્યાય ઉત્થાન ફાઉન્ડેશનના હેડ ઓફ ઇન્ટરવેન્શન સતીશ વૈદ દ્વારા નોંધાવવામાં આવી હતી. ફરિયાદ બાદ NHRC દ્વારા મુંબઈ પોલીસ કમિશનર, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટૅક્નોલૉજી મંત્રાલય, ભારત સ્થિત સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સના ફરિયાદ અધિકારી અને મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રધાન સચિવને નોટિસ પાઠવવામાં આવી હતી. આયોગે મુંબઈ પોલીસને ડિજિટલ પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરીને યોગ્ય ગુનો બનતો હોય તો તાત્કાલિક એફઆઈઆર નોંધવા સૂચના આપી હતી.
બાળકોની હાજરી અંગે એક સપ્તાહમાં રિપોર્ટ મંગાયો
NHRC દ્વારા તપાસ કરવા માટે જણાવાયું છે કે બાળકો કયા સંજોગોમાં આ પ્રદર્શનમાં સામેલ થયા અને આ સમગ્ર મામલે આયોજકો, સંયોજકો તેમજ તેમની સાથે હાજર પુખ્ત વ્યક્તિઓની શું ભૂમિકા હતી. આ સમગ્ર મામલે સંબંધિત ઉચ્ચ અધિકારીઓ પાસેથી એક સપ્તાહની અંદર એક્શન ટેકન રિપોર્ટ (ATR) રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

