'PM મોદી ભગવાન વિષ્ણુનો અવતાર...', ભૂટાનના PMએ પત્ર લખી કર્યા વખાણ

ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ (Tshering Tobgay) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) જોરદાર પ્રશંસા કરી છે. તેમણે PM મોદીને પત્ર લખીને તેમની 25 વર્ષની જનસેવા માટે શુભેચ્છા પાઠવી છે. આ પત્રમાં તેમણે PM મોદીને ભગવાન વિષ્ણુનો અવતાર (Incarnation of Lord Vishnu) ગણાવ્યા છે. સાથે જ તેમણે PM મોદીને પોતાના મોટા ભાઈ તરીકે પણ સંબોધ્યા છે.
ભૂટાનના વડાપ્રધાને જણાવ્યું કે PM મોદી માત્ર ઉંમરમાં મોટા હોવાને કારણે તેમના મોટા ભાઈ નથી, પરંતુ તેમણે હંમેશા નાના ભાઈ જેવો સ્નેહ અને સહયોગ આપ્યો છે.
2019ની મુલાકાતને યાદ કરી
શેરિંગ તોબગેએ પત્રમાં 27 જુલાઈ 2019ની PM મોદી સાથેની મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે તે સમયે તેમની પાર્ટી ભૂટાનની ચૂંટણીમાં લગભગ 10 મહિના પહેલાં હારી ગઈ હતી અને સંસદમાં તેમની પાર્ટીનું કોઈ પ્રતિનિધિત્વ નહોતું.
તેઓ ન તો વડાપ્રધાન હતા કે ન તો સાંસદ. આવી સ્થિતિમાં તેઓ દિલ્હીમાં PM મોદીને એક સામાન્ય નાગરિક તરીકે મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન PM મોદીએ તેમને જે સ્નેહ અને સહયોગ આપ્યો હતો તેને તેમણે ખાસ રીતે યાદ કર્યો.
PM મોદીને ભગવાન વિષ્ણુનો અવતાર કેમ ગણાવ્યા?
ભૂટાનના PMએ જણાવ્યું કે તેમણે PM મોદીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવાની વાત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં લાંબા સમયથી સમજદાર અને સારા શાસકોને ભગવાન વિષ્ણુ સાથે જોડીને જોવાની પરંપરા રહી છે.
તોબગેએ લખ્યું કે શરૂઆતમાં પોતાની જ વાત સાંભળીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમને વિચાર આવ્યો કે શું તેઓ લાગણીમાં વહી ગયા હતા કે શું તેમની વાત ખોટી હતી? પરંતુ બાદમાં તેમણે PM મોદીના લાંબા જાહેર જીવન અને તેમના કામકાજ પર વિચાર કર્યો અને તેમને લાગ્યું કે તેમણે જે કહ્યું હતું તે યોગ્ય હતું.
ગુજરાતથી દેશ સુધી PM મોદીના વિકાસ મોડલની પ્રશંસા
ભૂટાનના વડાપ્રધાને PM મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના લગભગ 13 વર્ષના કાર્યકાળનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે તેમણે PM મોદીને ગુજરાતનું નેતૃત્વ કરતા જોયા છે, જ્યાં વિકાસ (Development), ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure), રોકાણ (Investment) અને કામ પૂર્ણ કરવાની ક્ષમતાના મામલે રાજ્ય દેશ માટે એક ઉદાહરણ બન્યું હતું.
ત્યારબાદ તેમણે PM મોદીને આ જ વિચારધારાને સમગ્ર ભારત સુધી લઈ જતા જોયા હોવાનું જણાવ્યું. તેમણે મેન્યુફેક્ચરિંગ (Manufacturing), વિદેશી રોકાણ (Foreign Investment), નાણાકીય સમાવેશ (Financial Inclusion), સ્વચ્છતા (Sanitation), ટેક્નોલોજી (Technology) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં થયેલા કામની પ્રશંસા કરી.
‘દેશ અને દેશવાસીઓની સેવા પ્રત્યે અતૂટ સમર્પણ’
શેરિંગ તોબગેએ PM મોદીના વ્યક્તિત્વની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે તેમણે એવા જનસેવકને જોયા છે, જે શિસ્તબદ્ધ (Disciplined), ઊર્જાવાન (Energetic) અને અસાધારણ રીતે મહેનતુ છે.
તેમના જણાવ્યા અનુસાર, PM મોદીની જે બાબતે તેમને સૌથી વધુ પ્રભાવિત કર્યા છે તે દેશ અને દેશવાસીઓની સેવા પ્રત્યેનું તેમનું અતૂટ સમર્પણ છે. તેમણે વધુમાં કહ્યું કે PM મોદીએ ભારતીયોમાં પોતાના પર અને પોતાના દેશ પર મજબૂત વિશ્વાસ જગાવ્યો છે.
‘સમજદાર અને સારા શાસકના ગુણ’
ભૂટાનના વડાપ્રધાને અંતમાં કહ્યું કે તેમના માટે આ તમામ ગુણો એક સમજદાર અને સારા શાસક (Wise and Good Leader)ના ગુણ છે. PM મોદીના 25 વર્ષના જાહેર જીવનને યાદ કરીને તેમણે તેમના નેતૃત્વ અને ભારતના વિકાસ માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી છે.
ભૂટાનના PMનો આ પત્ર હાલ ચર્ચામાં છે, ખાસ કરીને PM મોદીને ભગવાન વિષ્ણુનો અવતાર ગણાવતી તેમની ટિપ્પણીને કારણે.

