VIDEO: ખેડૂતો માટે દુલ્હન શોધવાની યોજના બનાવો! આ રાજ્યના મુખ્યમંત્રીને ખેડૂતે કરી અનોખી અપીલ
કર્ણાટકના મૈસૂરમાં મુખ્યમંત્રી ડીકે શિવકુમાર (DK Shivakumar) સમક્ષ એક ખેડૂતે એવી અનોખી અપીલ કરી કે કાર્યક્રમમાં હાજર લોકોનું ધ્યાન ખેંચાયું હતું. પિરિયાપટ્ટણામાં યોજાયેલા પ્રજા સેવા કાર્યક્રમ (Praja Seva Programme) દરમિયાન ખેડૂતે મુખ્યમંત્રીને રાજ્યના અવિવાહિત ખેડૂતો માટે લગ્નમાં મદદરૂપ થાય તેવી કોઈ ખાસ યોજના બનાવવાની વિનંતી કરી હતી. ખેડૂતનું કહેવું હતું કે 35થી 40 વર્ષની ઉંમરના અનેક યુવકો હજુ પણ લગ્ન કરી શક્યા નથી અને આ સમસ્યા સમગ્ર કર્ણાટકમાં જોવા મળી રહી છે.
35થી 40 વર્ષની ઉંમરના અનેક યુવકો અવિવાહિત
ખેડૂતે મુખ્યમંત્રીને જણાવ્યું કે ઘણા પુરુષો 35થી 40 વર્ષની ઉંમરે પહોંચી ગયા છે, છતાં તેમના લગ્ન થતા નથી. તેના કારણે તેઓ ભારે નિરાશાનો સામનો કરી રહ્યા હોવાનો દાવો પણ તેણે કર્યો હતો. ખેડૂતે કહ્યું કે આ સમસ્યા માત્ર એક વ્યક્તિ કે એક પરિવાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ રાજ્યના અનેક પરિવારો તેને અનુભવી રહ્યા છે.
ખેડૂતે મુખ્યમંત્રીને અપીલ કરતાં કહ્યું કે ગરીબ પરિવારોના આવા યુવકો માટે કંઈક વ્યવસ્થા કરવાની જરૂર છે. તેના જણાવ્યા પ્રમાણે, ઘણા યુવકોએ ઘર બનાવ્યા છે, તેમની પાસે જમીન પણ છે અને તેઓ મહેનત કરીને જીવન ગુજારે છે. તેમ છતાં યુવતીઓના પરિવારજનો ખેડૂતોના પરિવારમાં દીકરીના લગ્ન કરવા તૈયાર થતા નથી.
‘ખેડૂતો માટે દુલ્હન શોધવાની યોજના બનાવો’
ખેડૂતે ડીકે શિવકુમાર સમક્ષ ખાસ યોજના (Scheme) બનાવવાની માંગ કરી હતી. તેણે કહ્યું કે જો સરકાર કોઈ એવી વ્યવસ્થા ઊભી કરે જેના માધ્યમથી લગ્ન માટે યોગ્ય યુવતી શોધવામાં આવા અવિવાહિત ખેડૂતોને મદદ મળી શકે, તો લાખો યુવકોની સમસ્યા દૂર થઈ શકે છે.
ખેડૂતે ભાવુક અપીલ કરતાં મુખ્યમંત્રીને કહ્યું કે તેઓ હાથ જોડીને વિનંતી કરે છે કે સરકાર આ મુદ્દે કંઈક પગલું ભરે. તેણે એવો પણ દાવો કર્યો કે લગ્ન ન થવાને કારણે કેટલાક યુવકો જીવનથી નિરાશ થઈ રહ્યા છે.
મુખ્યમંત્રીએ પૂછ્યું- ‘શું થયું છે?’
ખેડૂત પોતાની વાત મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી રહ્યો હતો ત્યારે ડીકે શિવકુમારે તેને વચ્ચે પૂછ્યું કે, “શું થયું છે?” તેના જવાબમાં ખેડૂતે સમજાવ્યું કે સમગ્ર કર્ણાટકમાં મોટી સંખ્યામાં ખેડૂતોના લગ્નનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે અને સરકારને તેના ઉકેલ માટે કોઈ યોજના બનાવવી જોઈએ.
ખેડૂતે વધુમાં સવાલ ઉઠાવ્યો કે જે ખેડૂતો સમગ્ર સમાજ માટે અનાજ અને ખોરાકનું ઉત્પાદન કરે છે, તેમના પરિવારમાં દીકરી આપવાથી માતા-પિતા કેમ સંકોચ અનુભવે છે? તેના મતે આ બાબત પર પણ સમાજે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.
ખેડૂતની વાત સાંભળી મુખ્યમંત્રી હસી પડ્યા
ખેડૂતની અનોખી માંગ સાંભળીને મુખ્યમંત્રી ડીકે શિવકુમાર હસી પડ્યા હતા. જોકે ખેડૂતે પોતાની વાતને માત્ર મજાક તરીકે નહીં પરંતુ ગંભીર સામાજિક સમસ્યા તરીકે રજૂ કરી હતી. તેણે દાવો કર્યો કે આ સમસ્યા રાજ્યના ઘણા વિસ્તારોમાં જોવા મળી રહી છે.
આ ઘટનાએ ખેડૂતોના લગ્ન અને ગ્રામ્ય વિસ્તારોમાં બદલાતા સામાજિક પરિબળો અંગે નવી ચર્ચા છેડી છે. ખેતી સાથે જોડાયેલા યુવકો માટે જીવનસાથી શોધવામાં આવતી મુશ્કેલી પાછળ આર્થિક સ્થિતિ ઉપરાંત સામાજિક માન્યતાઓ અને બદલાતી પસંદગીઓ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી હોવાની ચર્ચા થઈ રહી છે.

