VIDEO: પશ્ચિમ બંગાળ પેટાચૂંટણીમાં TMCના ચૂંટણી ચિહ્નની ફાળવણી પર પેચ ફસાયો, ચૂંટણીપંચ લેશે મોટો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં રેજીનગર અને નંદીગ્રામ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી પહેલાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સત્તાવાર ચૂંટણી ચિહ્નની ફાળવણીને લઈને ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિપક્ષી નેતા રિતબ્રત બંદોપાધ્યાયે પ્રતિનિધિમંડળ સાથે ચૂંટણી પંચની સંપૂર્ણ બેંચ (Full Bench) સાથે મુલાકાત કરી હતી અને પોતાની દલીલો રજૂ કરી હતી.
ચૂંટણી ચિહ્ન પર કેમ ઊભો થયો વિવાદ?
પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની મુદત પૂર્ણ થયા બાદ આજે સ્ક્રુટિની (ચકાસણી) હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ચૂંટણી ચિહ્નની ફાળવણીનો મુદ્દો અટવાયો છે. રિતબ્રત બંદોપાધ્યાયે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "અમે તૃણમૂલ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ અને નિયમ મુજબ ફોર્મ A અને ફોર્મ B જમા કરાવી દીધા છે. પરંતુ સાથે સાથે કાલીઘાટ તરફથી પણ ફોર્મ A અને B જમા કરાવવામાં આવ્યા છે. આ સ્થિતિમાં હવે ચૂંટણી પંચે આખરી નિર્ણય લેવાનો રહેશે."
ચૂંટણી પંચના નિર્ણય પર મીટ
બંદોપાધ્યાયે જણાવ્યું કે કાયદાકીય પ્રક્રિયા હવે સંપૂર્ણપણે ભારતીય ચૂંટણી પંચ અને સંબંધિત રિટર્નિંગ ઓફિસર (RO)ના અધિકારક્ષેત્રમાં છે. રિટર્નિંગ ઓફિસર પંચ સાથે સલાહ-મસલત કરીને યોગ્ય નિર્ણય લેશે.
તેમણે ઉમેર્યું હતું કે, "ચૂંટણી પંચ દેશની સર્વોચ્ચ બંધારણીય સંસ્થા છે અને આપણે સંસદીય લોકશાહીમાં જીવીએ છીએ, તેથી ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને નિર્ણય પર આપણને સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ." હવે નંદીગ્રામ અને રેજીનગરમાં સત્તાવાર રીતે પક્ષનું ચિહ્ન કોના ફાળે જાય છે તેના પર રાજ્યના રાજકીય વર્તુળોની નજર ટકેલી છે.

