ચીન-તૂર્કીના સહારે પાકિસ્તાનની નાપાક ચાલ: કચ્છના સર ક્રીકમાં 'અબાબીલ પ્રોજેક્ટ' હેઠળ ડ્રોન અને કમાન્ડો તૈનાત

ભારતની ઉત્તર સરહદે જમ્મુ-કાશ્મીરથી પંજાબ સુધીના વિસ્તારમાં આતંકવાદ ફેલાવનારા પાકિસ્તાનને હવે ચીને ભારતની પશ્ચિમ સરહદ સળગાવવા ઉશ્કેર્યું છે. ચીન પૂર્વીય લદ્દાખથી અરૂણાચલ વિસ્તાર પર તણાવગ્રસ્ત સ્થિતિ બનાવી રાખીને ભારતને પરેશાન કરી રહ્યું છે. હવે તેણે પશ્ચિમ સરહદ પર નજર બગાડી છે અને પાકિસ્તાનને અરબ સાગરમાં ભારતીય નેવીને પડકારવા ઉશ્કેરી રહ્યું છે. આ યોજનાના ભાગરૂપે પાકિસ્તાન તૂર્કી અને ચીનની મદદથી સર ક્રીકમાં ઝડપથી તેની નેવી અને સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યું છે.
પાકિસ્તાન નેવીએ 'અબાબીલ પ્રોજેક્ટ' હેઠળ કચ્છ સરહદ નજીક સર ક્રીકમાં તૂર્કી અને ચીનની મદદથી તેમના ડ્રોન અને હોવરક્રાફ્ટ પણ તૈનાત કર્યા છે. સાથે તેણે નેવલ સ્પેશિયલ સર્વિસ ગૂ્રપ કમાન્ડોની પણ તૈનાતી કરી છે, જેનાથી ભારતની સમુદ્રી સરહદ પર સુરક્ષા જોખમ વધી ગયું છે. પાકિસ્તાનનું આ વિસ્તરણ 'અબાબીલ-ધ ડિવાઈન સ્ટ્રાઈક' નામના પ્રોજેક્ટનો ભાગ છે. આ પ્રોજેક્ટનું કામકાજ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પોતે જોઈ રહ્યા છે.
આ પ્રોજેક્ટ હેઠળ પાકિસ્તાને સર ક્રીકમાં તેના નેવલ સ્પેશિયલ સર્વિસ ગૂ્રપ કમાન્ડોની તૈનાતી કરી છે. આ કમાન્ડો સમુદ્રી સ્પેશિયલ ઓપરેશન ફોર્સ છે, જે સમુદ્ર, હવા અને જમીન પર હાઈ-રિસ્ક મિશન માટે તાલિમબદ્ધ હોય છે. પાકિસ્તાનના આ સૈન્ય આધુનિકીકરણમાં ચીન અને તૂર્કી તેને મદદ કરી રહ્યા છે.
રિપોર્ટ મુજબ પાકિસ્તાન તુર્કીના ડ્રોન, ચીનના આધુનિક હોવરક્રાફ્ટ અને તિવ્ર ગતિએ ચાલતી નેવલ બોટની સાથે અત્યાધુનિક રોકેટ અને એર ડિફેન્સ સિસ્ટમ પણ તૈનાત કરી રહ્યું છે. તૂર્કીના ડ્રોન વિસ્ફોટક લઈ જવા માટે સક્ષમ છે અને તેનો ઉપયોગ નિરીક્ષણ માટે પણ કરી શકાય છે. સૂત્રો મુજબ 'અબાબીલ પ્રોજેક્ટ'માં એડવાન્સ્ડ એર ડિફેન્સ સિસ્ટમનો સમાવેશ થાય છે, જે સર ક્રીક વિસ્તાર અને અરબ સાગરમાં પાકિસ્તાન આર્મીની નવી બનેલી રોકેટ ફોર્સ સાથે મળીને કામ કરશે. આ સિસ્ટમનો આશય બાહ્ય જોખમોને રોકવાનો છે.
મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાને સર ક્રીક અને અરબ સાગરમાં ભારતના નેવીની હાજરીને પડકારવા માટે પોતાના સમુદ્રી ઓપરેશન્સમાં પાયલટ વિનાના હવાઈ અને સમુદ્રી ડ્રોનનો સમાવેશ કર્યો છે. આંતરિક સૂત્રોએ કહ્યું કે, ચીન અને તૂર્કી બંને પાકિસ્તાનની સેનાને આધુનિક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ પાકિસ્તાનને એડવાન્સ્ડ મિલિટ્રી ઈક્વિપમેન્ટ અને ટેક્નોલોજી સપ્લાય કરી રહ્યા છે.
સૂત્રો મુજબ ચીને પાકિસ્તાનને પહેલી હેંગર ક્લાસ સબમરીન સોંપી છે. તેનાથી અરબ સાગરમાં પાકિસ્તાનની સ્ટેલ્થ ક્ષમતા એટલે કે દુશ્મનની નજરથી બચીને નીકળવાની ક્ષમતા તથા સેકન્ડ સ્ટ્રાઈક ક્ષમતા એટલે કે દુશ્મનના હુમલા પછી જવાબી હુમલા કરવાની ક્ષમતા વધુ સારી થશે. આ સિવાય ઈસ્લામાબાદે પોતાના નેવી કાફલાને આધુનિક બનાવવાના મોટા પ્રોગ્રામ હેઠળ ચીનના એડવાન્સ તુગરિલ ક્લાસ ફ્રિગેટ પણ સામેલ કરી છે.
પાકિસ્તાની નેવીએ સર ક્રીક નજીક બાંધા ધોરા અને હરામી ધોરા વિસ્તાર વચ્ચે અનેક સમુદ્રી સુરક્ષા ચોકીઓ પણ બનાવી છે. સર ક્રીક અને અરબ સાગરમાં અનેક ડઝન કોસ્ટલ ડિફેન્સ બોટ, મરીન એસોલ્ટ ક્રાફ્ટ, હોવરક્રાફ્ટ, નેવી જહાજ અને તિવ્ર ગતિએ ચાલતી પેટ્રોલ બોટ તૈનાત કર્યા છે અને નેવીનું પેટ્રોલિંગ પણ વધારી દીધું છે તેમ મીડિયા સૂત્રોના અહેવાલમાં જણાવાયું છે.

