Kota Building Collapse: કોટામાં બિલ્ડિંગ ધરાશાયી થતા મચી ચીસિયારીઓ, રૅસ્ટોરન્ટમાં બેઠેલા લોકો દબાયા; 6 લોકોનું રૅસ્ક્યૂ

Kota Building Collapse: રાજસ્થાનના કોટા શહેરમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. જવાહર નગર વિસ્તારમાં તલવંડી ક્ષેત્રમાં એક નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં અનેક લોકો કાટમાળ નીચે દબાયા છે. આ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અને નીચે રેસ્ટોરન્ટ ધમધમતી હતી. આ દુર્ઘટના શનિવારે મોડી રાત્રે ઘટી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે
બિલ્ડિંગ ધરાશાયી થવાની સૂચના મળતા જ મોટી સંખ્યામાં રાહત બચાવ દળ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. હાલમાં જોરશોરથી બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે કેટલા લોકો દબાયેલા છે તેની જાણકારી સામે આવી નથી.
શનિવારે રાત્રે લગભગ 8:45 વાગ્યે જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે માળની બિલ્ડિંગ કાગળના મહેલની જેમ ઘસી પડી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક સ્થિતિ પર કાબુ મેળવવા યુદ્ધના ધોરણે રાહત કાર્યમાં જોડાયા હતા. કાટમાળમાંથી 5 થી 6 લોકોને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ ગયા. ઘટનાના સમાચાર મળતા જ લોકોના ટોળે ટોળાં બનાવ સ્થળે ઉમટી પડ્યા હતા. હાલ સુરક્ષાના ભાગરૂપે તંત્રએ વિસ્તારની વીજળી કાપી કાઢી છે.

