VIDEO: દિલ્હીમાં વિપક્ષનો મહા-જમાવડો: ખડગેના લંચમાં અભિષેક બેનર્જીની એન્ટ્રીથી ગરમાયું રાજકારણ
દેશની રાજધાની દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સામે વિપક્ષી ગઠબંધન (INDIA બ્લોક)નો મોરચો સતત બીજા દિવસે પણ તેજ બન્યો છે. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા દિલ્હીના કનોટ પ્લેસ ખાતે બોલાવવામાં આવેલી વિપક્ષી સાંસદોની બીજી મહત્વની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પહોંચ્યા છે.
વિપક્ષી દળોના નેતાઓ છેલ્લા ત્રણ દિવસથી ચૂંટણી પંચ સામે મોટો વિરોધ નોંધાવી રહ્યા છે. ગઈકાલે જંતર-મંતર તરફ કૂચ કરતી વખતે વિપક્ષી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ કેસ પણ નોંધાયો હતો. આમ છતાં, સતત બીજા દિવસે કનોટ પ્લેસ ખાતે તમામ વિપક્ષી સાંસદોને લંચ માટે એકત્ર કરવામાં આવ્યા છે.
અભિષેક બેનર્જીની આ બેઠકમાં ઉપસ્થિતિ દર્શાવે છે કે તૃણમૂલ કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષી પક્ષો ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સામે એકજૂટ થઈને રણનીતિ ઘડી રહ્યા છે. લંચ ટેબલ પર યોજાઈ રહેલી આ મહત્વપૂર્ણ બેઠક બાદ વિપક્ષ આગામી સમયમાં રસ્તા પર કઈ રીતે આંદોલનને આગળ ધપાવશે તેના પર સૌની નજર ટકેલી છે.

