ગાંધી જયંતિથી દેશભરમાં વિપક્ષનો વિરોધ, 2થી 8 ઓક્ટોબર દેશવ્યાપી ‘લોકશાહી બચાવો માર્ચ

મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા એસઆઇઆરમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર મનમાની ભર્યા નિર્ણયો લેવા તેમજ વોટ ચોરી સહિતના મુદ્દે ઇન્ડિયા ગઠબંધને હાથ મિલાવ્યા છે. બુધવારે ઇન્ડિયા ગઠબંધને લોકશાહી બચાવો માર્ચનું એલાન કર્યું છે, દેશના તમામ જિલ્લાઓમાં કોંગ્રેસ સહિતનો વિપક્ષ રેલી કાઢશે, સાથે જ બેલેટ પેપર દ્વારા ચૂંટણીઓ યોજવા માટે સરકાર પર દબાણ વધારશે. બેથી આઠ ઓક્ટોબર દરમિયાન આ ધરણા પ્રદર્શનો થશે. સાથે જ વિપક્ષના તમામ સાંસદો ૬ ઓક્ટોબરના રોજ ચૂંટણી પંચના હેડક્વાર્ટર સુધી રેલી કરશે.
કોંગ્રેસ, ડાબેરી પક્ષો સહિત ઇન્ડિયા ગઠબંધનના આશરે ૧૯ જેટલા પક્ષોના નેતાઓ દ્વારા બેઠક યોજવામાં આવી હતી, આ બેઠકમાં તમામ પક્ષો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે સંમત થયા હતા, સાથે જ જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર રાજીનામુ ના આપે ત્યાં સુધી વિરોધ પ્રદર્શનો જારી રાખવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. દિલ્હીમાં કન્સ્ટિટયૂશન ક્લબમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઇ હતી, જેમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ટીએમસીના વડા મમતા બેનરજી, જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ, આરજેડીના તેજસ્વી યાદવ, એનસીપીના સુપ્રીયા, પીડીપીના વડા મેહબુબા મુફ્તી વગેરે જોડાયા હતા. જ્યારે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન વગેરે ઓનલાઇન બેઠકમાં સામેલ થયા હતા.
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે બેથી આઠ ઓક્ટોબર દરમિયાન દેશભરમાં તમામ જિલ્લાઓમાં, જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસ સામે વિરોધ પ્રદર્શનો, ધરણા અને રેલીઓ કાઢવામાં આવશે. આ ઉપરાંત ઓક્ટોબર અને નવેમ્બરમાં પાંચ મોટી રેલીઓ પણ યોજવામાં આવશે. નરેન્દ્ર મોદી અને અમિત શાહે ચૂંટણી પંચને પપેટ બનાવી દીધુ છે. જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ભારતીય બંધારણના રક્ષકો છે, ભારતની લોકશાહીનો નાશ કરવામાં જેમનો પણ હાથ છે તેમને સજા અપાવવા માટે આ નેતાઓ કટિબદ્ધ છે. મમતા બેનરજીએ કહ્યું હતું કે જ્ઞાનેશ કુમાર ડાકુ છે, જેમણે લોકોના મત ઝૂંટવી લીધા છે. જો જ્ઞાનેશ કુમાર રાજીનામુ નહીં આપે તો મોટું આંદોલન થશે.
બીજી તરફ ભાજપે વળતો પ્રહાર કર્યો હતો, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનમાં વિભાજન થઇ ગયું છે, ડીએમકે, અખિલેશ યાદવ વગેરે પક્ષો અને નેતાઓ બેઠકમાં સામેલ નથી થયા. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પણ ઓનલાઇન બેઠકમાં સામેલ થઇ રહ્યા છે. રાહુલ ગાંધીને નેતા તરીકે ઇન્ડિયા ગઠબંધન સ્વીકારવા નથી માગતું જેને કારણે આ બધુ થઇ રહ્યું છે. નોંધનીય છે કે બીજી ઓક્ટોબરના કોકરોચ જનતા પાર્ટી, વિવિધ એનજીઓ, ડાબેરી વિદ્યાર્થી સંગઠનો સિવિલ સોસાયટી વગેરે દ્વારા દિલ્હીના જંતર મંતર પર તેમજ અન્ય સ્થળોએ વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનને લદ્દાખના પર્યાવરણ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક દ્વારા પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. જોકે તેઓ વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે કે કેમ તેને લઇને કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી. કોકરોચ જનતા પાર્ટી દ્વારા બીજી ઓક્ટોબરના મુંબઇના શીવાજી પાર્કમાં વિરોધ પ્રદર્શનો થશે, જ્યારે જંતર મંતર પર અન્ય સંગઠનો, એક્ટિવિસ્ટ એકઠા થવાના છે. આઇસાના પ્રમુખ નેહા બોરા, આરજેડીના સાંસદ મનોજ ઝા, પ્રશાંત ભુષણ વગેરે પ્રેસ કોન્ફરંસ કરીને બીજી ઓક્ટોબરના જંતર મંતર પર ધરણાની જાહેરાત કરી હતી. બીજી ઓક્ટોબરના ગાંધી જયંતિ હોવાથી દેશભરમાં આ તારીખે શાંતિપૂર્વક રીતે સરકાર સામે આંદોલનો જોવા મળશે.History

