NTAની ઘોર બેદરકારી! NEETના વિદ્યાર્થીએ માંગ્યું હતું નાગપુરનું સેન્ટર અને એલોટ થયું સીધું અબુધાબી

નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સીને (NTA) લઈને ચાલી રહેલા વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. પહેલાથી જ નીટ પેપર લીક (NEET Paper Leak) અને ગેરરીતિઓને કારણે એજન્સી સવાલોના ઘેરામાં હતી, ત્યાં હવે ૨૧મી જૂને યોજાનારી NEET ની પુનઃપરીક્ષા (Re-NEET) પહેલાં એક નવો મોટો છબરડો સામે આવ્યો છે. એજન્સીએ મહારાષ્ટ્રના નાગપુરના એક વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર (Exam Center) ભારતમાં આપવાને બદલે સીધું સાત સમુદ્ર પાર અબુધાબી (Abu Dhabi - UAE) માં ફાળવી દીધું છે!
નાગપુર, વર્ધાના ઓપ્શન આપ્યા અને મળ્યું વિદેશનું સેન્ટર
દેશભરમાં ૨૧મી જૂને ફરીથી નીટ પરીક્ષાનું આયોજન થવાનું છે, જેમાં લાખો વિદ્યાર્થીઓ ફરી એકવાર પરીક્ષા આપવાના છે. આ દરમિયાન નાગપુરના રહેવાસી અબ્દુલ્લા મોહમ્મદ નામના વિદ્યાર્થી સાથે બનેલી આ ઘટનાએ NTA ની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. અબ્દુલ્લાએ પોતાના આવેદન પત્રમાં (Application Form) મનપસંદ કેન્દ્ર તરીકે નાગપુર, વર્ધા અને ભંડારાના વિકલ્પો (Preferences) પસંદ કર્યા હતા. પરંતુ NTA એ આ તમામ સ્થાનિક ઓપ્શન્સને નજરઅંદાજ કરીને તેને સીધું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર (International Center) એલોટ કરી દીધું.
વિદ્યાર્થી પાસે પાસપોર્ટ પણ નથી, પરિવાર ભારે તણાવમાં
આ ગંભીર ભૂલને કારણે વિદ્યાર્થી અને તેનો પરિવાર ભારે માનસિક તણાવમાં (Mental Stress) મુકાયો છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે અબ્દુલ્લા પાસે પોતાનો પાસપોર્ટ (Passport) પણ નથી. પરીક્ષામાં માત્ર 24 થી 48 કલાકનો સમય બચ્યો હોય ત્યારે આટલા ટૂંકા ગાળામાં પાસપોર્ટ અને વિઝાની (Visa) પ્રક્રિયા પૂર્ણ કરીને પરીક્ષા આપવા વિદેશ જવું કોઈપણ સામાન્ય વિદ્યાર્થી માટે અશક્ય છે. અગાઉની મુખ્ય પરીક્ષામાં આ વિદ્યાર્થીને નાગપુરમાં જ સેન્ટર મળ્યું હતું.
ભૂલ સ્વીકારી નવું એડમિટ કાર્ડ આપવા NTAનું આશ્વાસન
આ મામલે મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા ડૉ. અનીસ અહેમદે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, NTA એ પરીક્ષાની વ્યવસ્થાના ધજાગરા ઉડાવી દીધા છે અને વિદ્યાર્થીને તાત્કાલિક સુધારેલું હોલ ટિકિટ (Revised Hall Ticket) મળવું જોઈએ.
આ અંધાધૂંધી બાદ વિદ્યાર્થીએ તાત્કાલિક NTA ની હેલ્પલાઇન (Helpline Number) પર ફરિયાદ નોંધાવી હતી. સત્તાવાળાઓએ આ ઘટનાને મોટી ટેકનિકલ ખામી (Technical Glitch) ગણાવીને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. એજન્સી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે શનિવારે સાંજ સુધીમાં વિદ્યાર્થીને નાગપુરનું જ લોકલ સેન્ટર ફાળવીને નવું એડમિટ કાર્ડ (New Admit Card) ઓનલાઇન જારી કરી દેવામાં આવશે. જો કે, નવી હોલ ટિકિટ હાથમાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીનું ભવિષ્ય અધ્ધરતાલ છે.

