VIDEO: “હવે તમે CM છો, ફિલ્મોની જેમ ડાયલોગ ન બોલો”, ઉદયનિધિ સ્ટાલિનો CM વિજય પર કટાક્ષ
તમિલનાડુ વિધાનસભામાં (Tamil Nadu Assembly) શુક્રવારે મુખ્યમંત્રી સી. જોસેફ વિજય અને DMK નેતા ઉદયનિધિ સ્ટાલિન વચ્ચે તીખી રાજકીય ટક્કર જોવા મળી હતી. વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને વિજયને પડકાર આપતા કહ્યું કે અગાઉની DMK સરકાર સાથે જોડાયેલી કથિત ભ્રષ્ટાચારની ફાઈલો જાહેર કરવામાં આવે અને જો તેમાં ગેરરીતિના પુરાવા મળે તો કાર્યવાહી કરવામાં આવે.
વિધાનસભામાં ચર્ચા દરમિયાન ઉદયનિધિએ વિજયના અગાઉના નિવેદનનો જવાબ આપ્યો, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ “યોગ્ય સમયે” અગાઉની DMK સરકારના સમયની ભ્રષ્ટાચારની ફાઈલો જાહેર કરશે. ઉદયનિધિએ વિજયના વલણની ટીકા કરતા કહ્યું કે “હવે તમે CM છો, ફિલ્મોની જેમ ડાયલોગ ન બોલો”.
તરત ફાઈલો ખોલો અને આરોપો સાબિત કરો
ઉદયનિધિ સ્ટાલિને ભ્રષ્ટાચારની ફાઈલો જાહેર કરવામાં થઈ રહેલા વિલંબ પર પણ સવાલ ઉઠાવ્યા.
તેમણે કહ્યું કે સરકાર પાસે પોતાના આરોપોને સાબિત કરવા માટે પૂરતા પુરાવા હોય તો તેને જાહેર કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે. ઉદયનિધિએ કહ્યું, “હું તેમને અપીલ કરું છું કે તેઓ તાત્કાલિક ફાઈલો ખોલે અને જો ભ્રષ્ટાચારના નક્કર પુરાવા હોય તો કાર્યવાહી કરે.”
તેમણે સવાલ કર્યો કે મુખ્યમંત્રી ફાઈલો જાહેર કરવામાં કેમ અચકાઈ રહ્યા છે? શું તેઓ તારીખ નક્કી કરવા માટે પોતાના જ્યોતિષીની રાહ જોઈ રહ્યા છે?
જોકે વિજયે વિધાનસભામાં ઉદયનિધિના સવાલોનો સીધો જવાબ આપ્યો નહોતો. રાજ્યના શાળા શિક્ષણ મંત્રીએ સરકારનો બચાવ કર્યો અને કહ્યું કે વિજય પારદર્શિતા માટે પ્રતિબદ્ધ છે તથા કથિત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલી ફાઈલો “યોગ્ય સમયે” જાહેર કરવામાં આવશે.
CM વિજયે શું કહ્યું હતું?
આ સમગ્ર વિવાદ બુધવારે મુખ્યમંત્રી વિજયના એક નિવેદન બાદ શરૂ થયો હતો.
વિજયે કહ્યું હતું કે તેમની પાસે ત્રણ સરકારી વિભાગોમાં કથિત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલી માહિતી ધરાવતી ફાઈલો છે. તેમણે DMKના પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોને ચેતવણી આપી હતી કે તેઓ તેમને આ ફાઈલો “ખોલવા” માટે મજબૂર ન કરે. વિજયે કહ્યું હતું કે તેઓ આ માહિતી “યોગ્ય સમયે” જાહેર કરશે.
DMK અને TVK ધારાસભ્યો વચ્ચે તીખી બોલાચાલી
વિજયના નિવેદન બાદ DMK અને TVKના ધારાસભ્યો વચ્ચે વિધાનસભામાં જોરદાર બોલાચાલી થઈ હતી. બંને પક્ષના સભ્યોએ નારાબાજી કરી હતી અને ગૃહની કાર્યવાહી ફરી શરૂ થાય તે પહેલાં થોડા સમય માટે કામકાજમાં પણ વિક્ષેપ પડ્યો હતો.
આ પહેલાં 7 ઓગસ્ટે પણ તમિલનાડુ વિધાનસભામાં ભ્રષ્ટાચારના આરોપો, નાણાકીય વ્યવસ્થાપન (Financial Management) અને કલ્યાણકારી યોજનાઓના અમલીકરણને લઈને સત્તાધારી TVK અને વિપક્ષી DMKના સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.

