Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Not considered an Indian citizen despite 15 documents, know why High Court declared Assam laborer 'foreigner'

15 દસ્તાવેજો છતાં ભારતીય નાગરિક ન માન્યો, જાણો કેમ હાઇકોર્ટે આસામના મજૂરને 'વિદેશી' જાહેર કર્યો

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
15 દસ્તાવેજો છતાં ભારતીય નાગરિક ન માન્યો, જાણો કેમ હાઇકોર્ટે આસામના મજૂરને 'વિદેશી' જાહેર કર્યો
સોર્સ : gstv

તમારી પાસે તમારો જન્મ ભારતમાં થયો હોવાના, તમારા પિતા-દાદાના સમયના જમીનના કાગળો, સ્કૂલ સર્ટિફિકેટ, પાન કાર્ડ અને ઇલેક્શન કાર્ડ જેવા 15 જેટલા મજબૂત દસ્તાવેજો હોય, તેમ છતાં અદાલત તમને ભારતીય નાગરિક માનવાનો ઇનકાર કરી દે તો! સાંભળવામાં અશક્ય લાગતી આ ઘટના આસામના એક દૈનિક મજૂર સાથે હકીકતમાં બની છે. ગુવાહાટી હાઇકોર્ટે ફોરેનર્સ ટ્રિબ્યુનલના એ નિર્ણયને મંજૂરી આપી દીધી છે, જેમાં આ વ્યક્તિને ‘વિદેશી’ જાહેર કરાયો છે. આવો જાણીએ કે આટલા બધા કાગળો હોવા છતાં કાયદાની નજરમાં તે ક્યાં કાચો પડ્યો.

App Store

શું હતો સમગ્ર મામલો?

ગુવાહાટી નજીક ભાડાના મકાનમાં રહેતા અને દૈનિક મજૂરી કરતાં 38 વર્ષના અમીનુલ હકને ફોરેનર્સ ટ્રિબ્યુનલે 'વિદેશી' જાહેર કર્યો હતો. આ ચુકાદાને અમીનુલે ગુવાહાટી હાઇકોર્ટમાં પડકાર્યો. અરજદારે કોર્ટ સમક્ષ પોતાને ભારતીય સાબિત કરવા માટે 1951ના રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર(NRC)ની નકલ, 1966થી 2017 સુધીની મતદાર યાદીઓ, 1973ના જમીનના દસ્તાવેજ, પાન કાર્ડ, અને સ્કૂલ સર્ટિફિકેટ સહિત 15 પુરાવા રજૂ કર્યા. તેના પિતાએ પણ કોર્ટમાં આવીને મૌખિક જુબાની આપી. છતાં, જસ્ટિસ કલ્યાણ રાય સુરાના અને શમીમા જહાંની બેન્ચે તેની અરજી ફગાવી દીધી. મંગળવાર, 30 જૂનના રોજ કોર્ટે જણાવ્યું કે અરજદાર પોતાના અને પોતાના પૂર્વજો વચ્ચેનો કાનૂની સંબંધ (વંશાવળી) સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.

કોર્ટે કયા પુરાવા કયા કારણસર નકારી કાઢ્યા?

ફોરેનર્સ ઍક્ટ, 1946ની કલમ 9 મુજબ, જે વ્યક્તિ પર વિદેશી હોવાનો આરોપ હોય, તેણે પોતે જ સાબિત કરવું પડે છે કે તે ભારતીય છે. આ કેસમાં રજૂ કરાયેલા નીચે મુજબના દસ્તાવેજો કાયદાની કસોટી પર ખરા ન ઉતર્યા.

  1. 1951ના NRC રૅકોર્ડ: અરજદારે રજૂ કરેલી NRCની નકલ કોમ્પ્યુટર-જનરેટેડ (ડિજિટલ) હતી. ભારતીય સાક્ષી અધિનિયમ, 2023 ની કલમ 63(4) હેઠળ આવા ઇલેક્ટ્રોનિક રૅકોર્ડ માટે જરૂરી કાનૂની પ્રમાણપત્ર તેની પાસે નહોતું. તેથી કોર્ટે તેને અમાન્ય ગણ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, આસામમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી લોકોને ઓળખવા અને તેમને બહાર કરવા માટે 'રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર' એટલે કે નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ (NRC) બનાવાયું છે. સૌથી પહેલું NRC વર્ષ 1951ની વસ્તી ગણતરી પછી તૈયાર થયું હતું, જેને વર્ષ 2019માં અપડેટ (સુધારો) કરીને ફરી બહાર પડાયું. તેના નિયમ મુજબ, કોઈપણ વ્યક્તિએ પોતે ભારતીય છે તે સાબિત કરવા માટે પોતાના પરિવારનો વંશવેલો (કનેક્શન) સાબિત કરવો પડે છે.
  2. પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ (EPIC): અદાલતે સ્પષ્ટ કર્યું કે પાન કાર્ડ કે મતદાર ઓળખ પત્ર માત્ર ઓળખ સાબિત કરવાના મર્યાદિત હેતુ માટે છે, તે નાગરિકતાનો આખરી પુરાવો નથી.
  3. સ્કૂલ સર્ટિફિકેટ: હાશડોબા અંકાલિક હાઇ સ્કૂલ દ્વારા 2017માં અપાયેલા શાળા પ્રમાણપત્રને ચકાસવા માટે સ્કૂલના આચાર્ય સાક્ષી તરીકે હાજર ન થયા. શાળાનું અસલ પ્રવેશ રજિસ્ટર પણ રજૂ કરાયું નહોતું.
  4. જમીનના દસ્તાવેજ: 1973ના સમયના દાદાના જમીન ખરીદીના કાગળો તો હતા, પણ દાદા પછી એ જમીન અરજદારના વારસદારોને કેમ ન મળી અને વંશાવળી કેવી રીતે આગળ વધી, તેની કોઈ સ્પષ્ટ લિંક નહોતી.

મતદાર યાદીમાં જોવા મળેલી મોટી ભૂલો
કોર્ટને અરજદારે રજૂ કરેલી જુદી જુદી મતદાર યાદીઓમાં ઘણી વિસંગતતાઓ હતી.

  1. ઉંમરમાં વિરોધાભાસ: 1979ની મતદાર યાદીમાં પરિવારના એક સભ્યની ઉંમર 25 વર્ષ દર્શાવી હતી, જે 1989ની યાદીમાં 29 વર્ષ થઈ ગઈ હતી! 10 વર્ષના ગાળામાં ઉંમર માત્ર 4 વર્ષ જ વધી, જે શંકાસ્પદ હતું.
  2. સ્થળાંતરના પુરાવાનો અભાવ: અમીનુલના લેખિત નિવેદન મુજબ તેનો જન્મ 1988 માં થયો હતો. વારંવાર નદીના ધોવાણને કારણે તેના પરિવારે ધોબાકુરા, પછી ઘુગુડોબા અને અંતે હાશડોબા એમ ત્રણ અલગ-અલગ ગામોમાં રહેવા જવું પડ્યું હતું, જ્યાં તેણે 1999માં હાશડોબા અંકાલિક હાઇસ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કર્યો હતો. પરંતુ આ ત્રણેય ગામોની મતદાર યાદીમાં દેખાતા નામો વચ્ચે કનેક્શન સાબિત કરતા દસ્તાવેજો ખૂટતા હતા.
  3. ઓળખમાં ગરબડ: ઉલટ તપાસમાં જાણવા મળ્યું કે 1970ની મતદાર યાદીમાં અમીનુલના પરિવારની એક વ્યક્તિનું જે નામ હતું, તે 2015ની યાદીવાળી વ્યક્તિ કરતાં અલગ જ હતી.

અદાલતનો અંતિમ નિર્ણય

ગુવાહાટી હાઇકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે ફોરેનર્સ ટ્રિબ્યુનલના નિર્ણયમાં કોઈ કાયદાકીય ભૂલ નથી. અરજદાર કાગળોનો ઢગલો લાવ્યો હોવા છતાં, તે કાયદાકીય રીતે એ સાબિત ન કરી શક્યો કે જે પૂર્વજોના નામે કાગળો છે તે તેના જ પૂર્વજો છે. પરિણામે, હાઇકોર્ટે તેની અરજી ફગાવી દઈને તેને 'વિદેશી' જાહેર કરવાના નિર્ણયને બહાલ રાખ્યો છે. હાઇકોર્ટના ચુકાદા પછી અમીનુલ હક પાસે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો છેલ્લો કાયદાકીય વિકલ્પ બાકી રહે છે.