VIDEO: ‘સંસદ તરફ જતાં અમને કોઈ નહીં રોકી શકે’, કલમ 163 લાગુ થતાં CJP નેતા અભિજિત દીપકેની જાહેરાત
Cockroach Janta Party CJP Delhi Parliament March LIVE : આજથી શરૂ થઈ રહેલા સંસદના મોનસૂન સત્રની સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય અને સામાજિક ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. નીટ (NEET) પેપર લીક કૌભાંડ, પરીક્ષાઓમાં ગોટાળા અને દેશમાં સતત વધતી બેરોજગારીના વિરોધમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા આજે 20 જુલાઈથી ‘ચલો સંસદ’ માર્ચનું આહ્વાન કરવામાં આવ્યું છે. દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ, ઉમેદવારો અને વાલીઓ રવિવાર સાંજથી જ જંતર-મંતર ખાતે ભેગા થવાનું શરૂ થઈ જતાં દિલ્હી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
જંતર-મંતર પર થ્રી-ટાયર સુરક્ષા, સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશન બંધ
સંસદ ભવન અને આસપાસના હાઈ-સિક્યોરિટી ઝોનને સુરક્ષિત કરવા માટે જંતર-મંતર, પાર્લામેન્ટ સ્ટ્રીટ, સેન્ટ્રલ વિસ્ટા અને કનોટ પ્લેસ જેવા વિસ્તારોમાં થ્રી-ટાયર સિક્યોરિટી ગ્રીડ ગોઠવી દેવામાં આવી છે. જેમાં દિલ્હી પોલીસના બે લેયર અને પેરામિલિટ્રી ફોર્સની એક લેયર ગોઠવાઇ છે. સુરક્ષાના ભાગરૂપે દિલ્હીના સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ હાલ પૂરતા બંધ કરી દેવાયા છે.
કલમ 163 (જૂની કલમ 144) લાગુ
નવી દિલ્હીના ડીસીપી સચિન શર્માએ સ્પષ્ટ કર્યું છે કે આ વિરોધ માર્ચ માટે પોલીસ પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી નથી અને ન તો કોઈ મંજૂરી અપાઈ છે. મોનસૂન સત્રને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 (જૂની કલમ 144) લાગુ કરી દેવામાં આવી છે. 5 કે તેથી વધુ લોકોના એકઠા થવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કોઈ આ આદેશનો ભંગ કરશે તો ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 223 હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
કોકરોચ જનતા પાર્ટી (CJP) ની મુખ્ય 3 માંગણીઓ
નીટ (NEET) પેપર લીક અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની ગેરરીતિઓની નિષ્પક્ષ તપાસ થઈ જવાબદારી નક્કી થાય.
પરીક્ષા કૌભાંડની નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક રાજીનામું આપે.
વધતી બેરોજગારી અને સરકારી ભરતીના પરિણામોમાં થતા વિલંબ સામે કડક નીતિ બને.
‘સંસદ તરફ જતાં અમને કોઈ નહીં રોકી શકે’
CJP ના સ્થાપક અધ્યક્ષ અભિજીત દિપકે દાવો કર્યો છે કે આ ભારતની સૌથી મોટી માર્ચ તેઓ કાઢવા જઇ રહ્યા છે. સંસદ તરફ જતાં તેમને કોઈ રોકી શકશે નહીં. CJP ના પ્રવક્તા સૌરવ દાસના જણાવ્યા મુજબ, રવિવાર સુધીમાં જ 20,000 થી વધુ લોકો જંતર-મંતર પર પહોંચી ચૂક્યા હતા. આ આંદોલનને લેખિકા અરુંધતિ રોય, અભિનેતા નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠક શાહ જેવી હસ્તીઓએ પણ પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
સફદરજંગ હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની 3 શરતો
વિરોધ પ્રદર્શન દરમિયાન ભૂખ હડતાળ પર બેસેલા જાણીતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની તબિયત લથડતાં પોલીસે શનિવારે તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે, હોસ્પિટલના બેડ પરથી પણ તેમણે ઉપવાસ ચાલુ રાખ્યા છે. તેમની પત્ની ગીતાંજલિ અંગમો અને વાંગચુક પોતે સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર શિક્ષણ પ્રણાલીની નિષ્ફળતાની જવાબદારી સ્વીકારે અથવા વિવિધ પક્ષોના સાંસદો હોસ્પિટલમાં આવીને સંસદમાં આ મુદ્દો ઉઠાવવાની ખાતરી આપે તો જ તેઓ પોતાના પારણાં કરશે.

