VIDEO: 'નીતિશને ગદ્દાર કહેનારા પોતે...', કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનો સોનિયા ગાંધી પર સણસણતો પલટવાર
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી દ્વારા બિહારના રાજકારણ અને નીતિશ કુમાર અંગે કરાયેલી કથિત ટિપ્પણી બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે. નીતિશ કુમારને 'ગદ્દાર' ગણાવવા મામલે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે અને આ નિવેદનને સમગ્ર બિહારનું અપમાન ગણાવ્યું છે.
દિલ્હી ખાતે પત્રકારો સાથે વાતચીતમાં ગિરિરાજ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, નીતિશ કુમાર માટે આવા શબ્દોનો પ્રયોગ કરવો અત્યંત અશોભનીય અને અયોગ્ય છે. તેમણે કોંગ્રેસના નેતૃત્વ અને વિપક્ષી ગઠબંધનના હેતુ પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
ગિરિરાજ સિંહે સોનિયા ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, જે વ્યક્તિએ લગ્નના ૧૫ વર્ષ સુધી આ દેશનું નાગરિકત્વ નહોતું સ્વીકાર્યું, તેઓ આજે અન્ય કોઈની વફાદારી પર સવાલ ઉઠાવી શકે નહીં. તેમણે આક્ષેપ કર્યો કે વિપક્ષી એકતાનો સમગ્ર પ્રયાસ માત્ર રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા (રાજતિલક કરવા) માટેની ગોઠવણ હતી. નીતિશ કુમાર આ વાસ્તવિકતા અને તેમનો અસલી ઇરાદો સમયસર સમજી ગયા હતા.
ગિરિરાજ સિંહે ઉમેર્યું કે નીતિશ કુમાર જેવા વરિષ્ઠ નેતાને ગદ્દાર કહીને કોંગ્રેસે માત્ર એક નેતાનું નહીં, પરંતુ સમગ્ર બિહારની જનતાનું ઘોર અપમાન કર્યું છે.

