VIDEO : 'નીતિશને રાજ્યસભામાં મોકલી JDUનું પતન કરી નાંખશે', તેજસ્વીએ BJP પર કર્યા પ્રહાર
"ભાજપ રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી ઇચ્છે છે."
તેજસ્વી યાદવે કહ્યું કે, "ભાજપનો ઇતિહાસ રહ્યો છે કે તે જેની સાથે પણ ગઠબંધન કરે છે તેને બરબાદ કરી નાખે છે. ભાજપ એક ઓબીસી વિરોધી, દલિત વિરોધી અને આદિવાસી વિરોધી પાર્ટી છે. તેઓ બિહારમાં એવો નેતા નથી ઇચ્છતા જે ઓબીસી કે દલિતો માટે બોલે; તેઓ ફક્ત 'રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી' ઇચ્છે છે. સત્તા પરિવર્તન જનભાવના વિરુદ્ધ છે. લોકો ભાજપની રણનીતિ અને ચારિત્ર્યને સારી રીતે જાણે છે.
તેજસ્વીએ કહ્યું કે, "અમે નીતિશ કુમાર સાથે કામ કર્યું છે, પરંતુ મોટાભાગનો સમય અમે વિપક્ષમાં હતા. જ્યારે તેઓ (જેડીયુ) 28 જાન્યુઆરી, 2024 ના રોજ અમને છોડીને ગયા, ત્યારે અમે કહ્યું હતું કે, ભાજપ તેમને ખતમ કરી દેશે, અમને તેમના પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે; અમે બિહારની તેમની સેવા બદલ તેમનો આભાર પણ માનીએ છીએ. અમને આ વાત પહેલાથી જ ખબર હતી. જ્યારે અમે 28 જાન્યુઆરી, 2024 ના રોજ કહ્યું હતું કે JDU ખતમ થઈ જશે, ત્યારે ભાજપને તેમના દાવા મુજબનું પરિણામ (400 બેઠકો) મળ્યું નહોતું એટલે એક વર્ષનો વિલંબ થયો, નહીં તો તેઓ તેમને (JDU) ઘણા સમય પહેલા જ ખતમ કરી નાંખત.
મહારાષ્ટ્ર મોડેલનો ઉલ્લેખ કરતા તેજસ્વીએ કહ્યું, "મહારાષ્ટ્રમાં શું થયું? ભાજપે એકનાથ શિંદેને મુખ્યમંત્રીનો ચહેરો બનાવ્યો. તેમણે અહીં પણ આ જ નીતિને વધુ સારી રીતે લાગુ કરી છે. JDUમાં કેટલાક લોકો પહેલાથી જ ભાજપ સમક્ષ શરણાગતિ સ્વીકારી ચૂક્યા છે. નિશાંતે ખૂબ વહેલા આવી જવું જોઈતું હતું, પરંતુ કેટલાક લોકોએ તેમ થતું અટકાવ્યું હતું. હવે જો જો આ લોકો બિહારને પહેલાથી કરતાં વધુ કેવી રીતે બગાડી રહ્યા છે. અમે ભાજપ સામે લડીને તેમને હરાવીશું.

