મોદી સરકારની શિક્ષણ નીતિ પર મુરલી મનોહર જોશીનો મોટો ધડાકો: "આ પરીક્ષા નથી, યુદ્ધ છે!" જાણો કેમ લાલઘૂમ થયા વરિષ્ઠ નેતા!

ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપકોમાંથી એક, પૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી અને 'માર્ગદર્શક મંડળ'ના સભ્ય ડૉ. મુરલી મનોહર જોશીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની શિક્ષણ નીતિ, બજેટ અને વહીવટી પ્રાથમિકતાઓ પર તીખા સવાલો ઊભા કર્યા છે. એક ખાનગી ઈન્ટરવ્યૂમાં, ડૉ. જોશીએ પેપર લીક, શિક્ષણનું વ્યાપારીકરણ, બજેટમાં કાપ અને 'વિકસિત ભારત'ના દ્રષ્ટિકોણ પર સરકારની નીતિઓ પર સીધો વાર કર્યો છે.
'દરેક ક્ષેત્રમાં પૈસાની બોલબાલા, શિક્ષકોની નિમણૂકો લાંચ આપીને'
પેપર લીકની ઘટનાઓને માત્ર પરીક્ષા પ્રણાલીની નિષ્ફળતા માનવાને બદલે, ડૉ. જોશીએ તેને સમાજ અને શાસનમાં વધી રહેલા ભ્રષ્ટાચાર સાથે જોડી. તેમણે કહ્યું કે જ્યારે વિદ્યાર્થીઓ જુએ છે કે શિક્ષકોની નિમણૂકો લાંચ આપીને થઈ રહી છે અને દરેક ક્ષેત્રમાં પૈસાનો બોલબાલા છે, તો તેઓ પણ ખોટો રસ્તો અપનાવવામાં સંકોચ કરતા નથી.
વાજપેયી કાર્યકાળ સાથે સરખામણી કરતાં ડૉ. જોશીએ કૌભાંડો અંગે કહ્યું કે, હું ખૂબ નમ્ર ભાવે પૂછું છું કે વાજપેયીજીના સમયમાં પેપર લીક કેમ નહોતા થતા?' આજે બેંકો અને વેપારમાં કૌભાંડો થઈ રહ્યા છે, સરકાર પોતે કૌભાંડોમાં ફસાયેલી છે, તો તેની અસર શિક્ષણ અને વિદ્યાર્થીઓ પર પણ પડે છે.
પરીક્ષામાં સુરક્ષા એજન્સીઓ
પેપર લીક રોકવા માટે સરકાર દ્વારા વિમાનો, સેના અને સુરક્ષા એજન્સીઓના ઉપયોગની કવાયત પર કટાક્ષ કરતા તેમણે કહ્યું, 'એવું લાગે છે કે આ પરીક્ષા નથી, યુદ્ધ છેડાઈ ગયું હોય!' ડૉ. જોશીએ સરકારની પ્રાથમિકતાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે પ્રાથમિક શિક્ષણ અને આરોગ્યનું બજેટ સતત ઘટી રહ્યું છે, જ્યારે રસ્તાઓ અને માર્ગ પરિવહન પર ખર્ચ વધારવામાં આવી રહ્યો છે.
રોજગારી, શિક્ષણનું વ્યાપારીકરણ અને બજેટ
બજેટની પ્રાથમિકતાઓ પર તેમણે કહ્યું કે રસ્તાઓ બનાવવા એ જ વિકાસ નથી. રસ્તાઓ માટે એન્જિનિયર અને મશીનો જોઈએ, જેના માટે મજબૂત શિક્ષણ પ્રણાલી જરૂરી છે. વરિષ્ઠ ભાજપ નેતાએ કહ્યું કે શિક્ષણનું આર્થિક રીતે ઉત્પાદક હોવું જરૂરી છે. દિલ્હીમાં M.A., Ph.D. અને B.Ed. ડિગ્રીધારકો સફાઈ કર્મચારી અથવા કરાર આધારિત કામ કરવા માટે મજબૂર છે. શિક્ષણ અને તબીબી સેવાઓ માત્ર નફો કમાવવાનું સાધન ન હોવા જોઈએ. પ્રાઈવેટ સેક્ટર આવે, પરંતુ પોતાની કમાણીનો એક હિસ્સો પાછો શિક્ષણના વિકાસમાં લગાવે.
બીજી તરફ વિકસિત ભારતના મુદ્દા પર જોશીએ કહ્યું કે, આધુનિક માપદંડોના બદલે માનવીય જીવન મૂલ્યો પર ધ્યાન આપવું પડશે. પ્રકૃતિ સાથે રહેતા આદિવાસી સમુદાયો પણ પોતાની જીવનશૈલીમાં વિકસિત છે.
નવી શિક્ષણ નીતિ પર 'નીતિ આયોગ'ની ભૂમિકા પર સવાલ
નવી શિક્ષણ નીતિ પર બોલતા ડૉ. જોશીએ કહ્યું કે વાજપેયી સરકાર દરમિયાન પણ શિક્ષણ નીતિ બદલવાનું સૂચન આવ્યું હતું, પરંતુ તેમણે જૂની નીતિનો અભ્યાસ કર્યા પછી જાણ્યું કે નીતિ માત્ર એટલા માટે ન બદલવી જોઈએ કારણ કે તેને રાજીવ ગાંધી સરકારના સમયમાં બનાવવામાં આવી હતી. તેમણે NEP 2020ના નિર્માણમાં 'નીતિ આયોગ'ની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા અને યાદ અપાવ્યું કે તેમના સમયમાં 'યોજના આયોગ' માત્ર શ્રમ/રોજગારની જરૂરિયાતોનું આકલન કરતું હતું, શિક્ષણના મામલાઓમાં હસ્તક્ષેપ કરતું ન હતું. તેમણે 'નેબરહૂડ સ્કૂલ સિસ્ટમ' (પડોશની શાળામાં અભ્યાસ)ની હિમાયત કરતા કહ્યું કે અમીર અને ગરીબ તમામ બાળકોને શરૂઆતના તબક્કામાં સમાન અને મફત શિક્ષણ મળવું જોઈએ.

