મમતા બેનર્જી સામે બળવો ભારે પડ્યો? 20 સાંસદોના જૂથને ભાજપે આપ્યો મોટો ઝટકો, મોદી સરકારનું મોટું ટેન્શન વધ્યું!

તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી અલગ થયેલા 20 સાંસદોના જૂથ એટલે કે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI)ને ભારતીય જનતા પાર્ટી તરફથી મોટો રાજકીય ફટકો પડ્યો છે. સાયોની ઘોષ, કાકોલી ઘોષ દસ્તીદાર અને સુદીપ બંદોપાધ્યાય જેવા વરિષ્ઠ નેતાઓ ધરાવતા આ જૂથ સાથે મળીને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવાનો ભાજપે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
સુદીપ બંદોપાધ્યાયનો દાવો અને ભાજપનો જવાબ
તાજેતરમાં સાંસદ સુદીપ બંદોપાધ્યાયે પત્રકારોને જણાવ્યું હતું કે, તેમનો પક્ષ NDAના ભાગ તરીકે KMC ચૂંટણી લડશે અને આ અંગે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત પણ થઈ ચૂકી છે. જોકે, તેમના આ નિવેદનના થોડા જ કલાકોમાં KMC ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય રાજ્યમંત્રી સુકાંત મજુમદારે આ દાવાને નકારી કાઢ્યો હતો. સુકાંત મજુમદારે સ્પષ્ટતા કરી કે, "બંગાળમાં ભાજપનો કોઈ સાથી પક્ષ નથી. અમે અગાઉ પણ વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડીને સીટો જીત્યા હતા. તેથી KMC ચૂંટણીમાં કોઈની પણ સાથે ગઠબંધન કરવાનો કોઈ પ્રસ્તાવ કે ચર્ચા થઈ નથી. ભાજપ પોતાના દમ પર જ ચૂંટણી લડશે."
ભાજપના આંતરિક વિરોધનું કારણ
ભાજપના આંતરિક વર્તુળો અનુસાર, જે નેતાઓ વિરુદ્ધ ભાજપ લાંબા સમયથી ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના આક્ષેપો સાથે લડત ચલાવતો આવ્યો છે, તે જ ભૂતપૂર્વ TMC નેતાઓ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાથી પક્ષના કાર્યકરો અને જમીની કેડરમાં ખોટો સંદેશ જઈ શકે છે.
સંસદમાં સમીકરણો અને રાજકીય અસરો
ભાજપના આ નિર્ણયના ભવિષ્યમાં દૂરોગામી રાજકીય પરિણામો આવી શકે છે. લોકસભા અને રાજ્યસભામાં બંધારણીય સુધારા અને સીમાંકન જેવા મહત્વપૂર્ણ બિલો પાસ કરાવવા માટે ભાજપને બે તૃતીયાંશ બહુમતીની જરૂર છે, જેમાં આ 20 સાંસદોનું સમર્થન મહત્વનું બની શકે છે. રાજકીય વર્તુળોમાં એવી પણ અટકળો છે કે આ નારાજગી દૂર કરવા માટે કેન્દ્ર સરકારમાં આ બળવાખોર જૂથને એક-બે મંત્રીપદ આપવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે કોલકાતા મહાનગરપાલિકામાં વોર્ડની સંખ્યા 144થી વધારીને 209 કરવાની કવાયત ચાલી રહી છે અને ચૂંટણી ડિસેમ્બર 2026 યોજાવાની શક્યતા છે. મમતા બેનર્જી વગર બંગાળમાં પોતાની તાકાત બતાવવા થનગનતા NCPIના પ્લાન પર હાલ ભાજપે બ્રેક લગાવી દીધી છે.

