VIDEO: "મોદી, શાહ, ભાગવત અને જ્ઞાનેશ કુમારે દેશને હાઇજેક કર્યો છે, ચારેયને સજા અપાવીને જ રહીશું": રાહુલ ગાંધી
દેશની રાજધાની દિલ્હીમાં ચૂંટણી પંચ સામે ચાલી રહેલા વિપક્ષી ગઠબંધન (INDIA બ્લોક)ના આંદોલન વચ્ચે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને શાસક પક્ષ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી આક્રમક નિવેદન આપ્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, RSS વડા મોહન ભાગવત અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર દેશ અને બંધારણને હાઇજેક કરવાનો સીધો આરોપ લગાવ્યો છે.
દિલ્હીમાં પત્રકારો અને સમર્થકોને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, "લોકસભા અને રાજ્યસભાના લગભગ ૩૦૦ જેટલા સાંસદો શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા માગે છે. પરંતુ છેલ્લા બે દિવસથી અમને સતત રોકવામાં આવી રહ્યા છે. પહેલા દિવસે અમને ચૂંટણી પંચની ઓફિસ બહાર રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ અમે જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ ધરણા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, છતાં ગઈકાલે અમને ત્યાં પણ રોકવામાં આવ્યા અને અમારા સાથીઓ પર હુમલો કરવામાં આવ્યો, તેમની સાથે મારપીટ થઈ."
'ગુનાહિત ષડયંત્ર રચીને વોટની ચોરી કરવામાં આવી'
કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં તેમણે કહ્યું કે, "વાસ્તવિકતા એ છે કે નરેન્દ્ર મોદી, અમિત શાહ, જ્ઞાનેશ કુમાર અને મોહન ભાગવતે એક ગુનાહિત ષડયંત્ર (criminal conspiracy) રચીને આખા દેશને હાઇજેક કરી લીધો છે. દેશના બંધારણને નષ્ટ કરવામાં આવ્યું છે અને લોકોના મતોની ચોરી કરવામાં આવી રહી છે."
વિપક્ષની ખાતરી: તમામને ન્યાયના કઠેડામાં લાવીશું
રાહુલ ગાંધીએ દેશની જનતાને ખાતરી આપતા કડક શબ્દોમાં કહ્યું હતું કે, "અમે સમગ્ર વિરોધ પક્ષ દેશને ખાતરી આપીએ છીએ કે આ કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ લોકોને કાયદાના દાયરામાં લાવીને ન્યાય અપાવવામાં આવશે. આ અમારી ગેરંટી છે. તમે પોતે જોશો કે આ ચારેય લોકોને ન્યાયના કઠેડામાં ઊભા રાખવામાં આવશે અને તેમને સજા થશે."
નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં ચૂંટણી પંચના વિરોધમાં ઈન્ડિયા બ્લોકના સાંસદો રસ્તા પર ઉતરીને સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અટકાયતો અને પોલીસ કેસ છતાં વિપક્ષી નેતાઓ પીછેહઠ કરવા તૈયાર નથી, ત્યારે રાહુલ ગાંધીના આ સ્ફોટક નિવેદનથી રાજધાનીનું રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયું છે.

