VIDEO: "મમતા બેનર્જી ટીએમસીનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરી દે": અધીર રંજન ચૌધરીની અણધારી સલાહથી બંગાળના રાજકારણમાં ખળભળાટ
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ એક મોટું અને ચોંકાવનારું નિવેદન આપીને રાજ્યના રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સીધી સલાહ આપી છે કે તેઓ અન્ય રાજકીય દાવપેચ કરવાને બદલે સીધા કોંગ્રેસ પક્ષમાં જોડાઈ જાય.
અધીર રંજન ચૌધરીએ માત્ર મમતા બેનર્જીને જ નહીં, પરંતુ પોતાના કોંગ્રેસ હાઈકમાન્ડને પણ વિનંતી કરતા એક રસપ્રદ રાજકીય સમીકરણ રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે, "હું મમતા બેનર્જીને એક સલાહ આપવા માંગુ છું અને અમારા હાઈકમાન્ડને પણ વિનંતી કરું છું કે તેઓ (મમતા) સીધા કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ જાય. આડા-અવળા દાવપેચ રમવા કરતાં, તેઓ પોતાના બાકી રહેલા તમામ સાંસદો અને ધારાસભ્યો સાથે ટીએમસીનું કોંગ્રેસમાં વિલીનીકરણ કેમ નથી કરી દેતા?"
નેતૃત્વ સ્વીકારવાની તૈયારી
સામાન્ય રીતે મમતા બેનર્જીના આકરા ટીકાકાર મનાતા અધીર રંજને આશ્ચર્યજનક રીતે જણાવ્યું કે, "જો તેઓ કોંગ્રેસમાં જોડાય છે અને પક્ષના ટોચના નેતા બને છે, તો અમે તેમના નેતૃત્વ હેઠળ તેમની સાથે ખભેખભા મિલાવીને લડવા પણ તૈયાર છીએ." તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે અલગ-અલગ રણનીતિઓ અપનાવવા કરતાં જો બિન-ભાજપ તાકાતોને મજબૂત કરવી હોય તો મમતા બેનર્જીએ જૂના પક્ષ કોંગ્રેસના છત્રછાયા હેઠળ પાછા આવી જવું જોઈએ.

