મહારાષ્ટ્રના CM બનવા જઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસ છે કરોડોના માલિક, જાણો તેમની નેટવર્થ

મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો બાદ CM પદને લઈને ઘણા દિવસોથી ચાલી રહેલું સસ્પેન્સ પૂરું થયું છે. મુંબઈમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીની હાજરીમાં યોજાયેલી બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અર્થાત આવતી કાલે ફરી એક વખત મહારાષ્ટ્રના સીએમ તરીકે ફડણવીસ શપથ લેશે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસ પાસે કરોડોની સંપત્તિ છે, જેનો તેમણે ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ સમક્ષ ખુલાસો કર્યો હતો.
આ પણ વાંચોઃ દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નેતા ચૂંટાયા
13 કરોડ નેટવર્થ, 62 લાખની લોન( દેવું)
મહારાષ્ટ્રના સીએમ બનવા જઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલી એફિડેવિટ મુજબ તેમની કુલ નેટવર્થ રૂ. 13.27 કરોડ છે, જ્યારે તેમની ઉપર રૂ. 62 લાખનું દેવું પણ છે. એફિડેવિટ મુજબ વર્ષ 2023-24 દરમિયાન દેવેન્દ્ર ફડણવીસની કુલ આવક 79.3 લાખ રૂપિયા હતી, જ્યારે અગાઉના વર્ષે આ આવક લગભગ 92.48 લાખ રૂપિયા હતી.
આ પણ વાંચોઃ દેવેન્દ્ર ફડણવીસની રાજકીય કરિયર, કોર્પોરેટરથી મુખ્યમંત્રી બનવા સુધીની સફર
ચૂંટણી એફિડેવિટ મુજબ દેવેન્દ્ર ફડણવીસ અને તેમની પત્નીના બેંક ખાતામાં 5 લાખ રૂપિયાથી વધુ જમા છે. આ સિવાય મહારાષ્ટ્રના સીએમએ શેરબજાર, બોન્ડ કે ડિબેન્ચરમાં કોઈ રોકાણ કર્યું નથી, પરંતુ પત્ની અમૃતા ફડણવીસના નામે બોન્ડ, શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ 5.63 કરોડ રૂપિયાનું રોકાણ છે. આ સિવાય દેવેન્દ્ર ફડણવીસ પાસે તેમના NSS-પોસ્ટલ સેવિંગ્સ એકાઉન્ટમાં 17 લાખ રૂપિયા જમા છે, આ સિવાય 3 લાખ રૂપિયાની LIC પોલિસી પણ છે.
દેવેન્દ્ર ફડણવીસ પાસે લગભગ 450 ગ્રામ અને તેમની પત્ની પાસે 900 ગ્રામ સોનું છે. તેની કિંમત લગભગ 98 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્રના સીએમના નામે કોઈ કાર નથી કે તેમની પત્ની પાસે ફોર વ્હીલર પણ નથી. જણાવી દઈએ કે ફડણવીસ પર તેમની પત્ની દ્વારા લેવામાં આવેલી 62 લાખ રૂપિયાની લોનની દેવાદારી છે.
3 કરોડ રૂપિયાના મકાનમાં રહે છે ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસની સ્થાવર મિલકત જોઈએ તો, તેમના અને તેમની પત્ની અમૃતા ફડણવીસના નામે 1.27 કરોડ રૂપિયાની ખેતીની જમીન નોંધાયેલી છે. દેવેન્દ્ર ફડણવીસના નામે 3 કરોડ રૂપિયાનું ઘર અને બીજું 47 લાખ રૂપિયાનું ઘર છે. આ સિવાય તેમની પત્નીના નામે પણ 36 લાખ રૂપિયાની રહેણાંક મિલકત નોંધાયેલી છે.

