VIDEO: 'નેતાઓ પરથી વિશ્વાસ ઊઠી ગયો': મધ્યરાત્રિની નડ્ડા સાથેની બેઠક અંગે સોનમ વાંગચુકનો મોટો ધડાકો!
Sonam Wangchuk on Hunger Strike: નીટ પેપર લીક સામે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે અનશન કર્યું હતું 26 દિવસ પછી ગુરુગ્રામની એક હોસ્પિટલમાં પોતાના અનશન તોડ્યા હતા. તેમણે અનશન તોડવાની સમગ્ર વાર્તા હવે ખૂલીને જણાવી છે. જેમાં તેમણે કેન્દ્રીય મંત્રીઓ પર વચન તોડવાનો આરોપ લગાવ્યો છે. સોનમે કહ્યું છે કે તેઓ સરકાર, વિપક્ષ અને વિદ્યાર્થીઓ સાથે મળીને પોતાના અનશન છોડવા માગતા હતા, પરંતુ મંત્રીઓની મુલાકાતે તેમનો પ્લાન બગાડી નાખ્યો.
મંત્રીઓએ ફોટા જાહેર ન કરવાનું વચન આપ્યા છતાં તેને તોડી નાખ્યું
સોનમ વાંગચુકે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે- એ સ્પષ્ટપણે નક્કી થયું હતું કે કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથેની તેમની મધ્યરાત્રિની મુલાકાતનો કોઈ પણ ફોટો ત્યાં સુધી જાહેર કરવામાં આવશે નહીં, જ્યાં સુધી વિપક્ષના નેતાઓ અને વિદ્યાર્થી પ્રતિનિધિઓને પણ આ જાહેરાતમાં સામેલ ન કરી લેવાય. મંત્રીઓએ પોતાના ફોટોગ્રાફર્સ બોલાવી લીધા હતા. તેમણે મારી સાથે વચન આપ્યું હતું કે તેઓ તેને રિલીઝ નહીં કરે. પરંતુ તેમણે વચન તોડી નાખ્યું.
અનશનનો અંત માત્ર શાસક પક્ષનો કાર્યક્રમ ન બની રહેવો જોઈએ
લદાખમાં એવો રિવાજ છે કે પ્રદર્શનકારીઓની માંગણીઓ સ્વીકાર્યા પછી સરકારી પ્રતિનિધિઓ વિરોધ-પ્રદર્શન દરમિયાન રાખવામાં આવેલા ઉપવાસને સમાપ્ત કરવા માટે જ્યુસ અથવા સૂપ આપે છે. જો કે તેમણે ભારપૂર્વક કહ્યું કે આ ક્ષણને માત્ર સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા કાર્યક્રમ તરીકે દર્શાવવી જોઈએ નહીં. તેમણે કહ્યું-'મેં તેમને કહ્યું હતું કે હું ઈચ્છું છું કે આમાં બીજી રાજકીય પાર્ટીઓના સભ્યો, તેમના નેતાઓ અને વિદ્યાર્થી નેતાઓ પણ સામેલ થાય. હું ઈચ્છતો હતો કે આ એક સંયુક્ત કાર્યક્રમ હોય.'
વિપક્ષ અને વિદ્યાર્થી નેતાઓની હાજરી સાથે જ અનશન છોડવાની શરત
સોનમ વાંગચુકને મળવા માટે મંત્રીઓ રાત્રે પહોંચ્યા હતા. તેમણે એવી શરત મૂકી હતી કે, 'હું મારું અનશન તો તોડી દઈશ, પરંતુ તેના ન્યૂઝ મારી શરતો પર જાહેર કરવામાં આવશે, જેમાં વિપક્ષના નેતાઓ અને જો શક્ય હોય તો વિદ્યાર્થી નેતાઓની તસવીરો પણ સાથે હોય, જેથી આ એક સંયુક્ત પ્રયાસ લાગે.'
IB અધિકારીઓની સાક્ષી હોવા છતાં મિનિટોમાં ફોટા ટીવી પર વાઈરલ થયા
સોનમ મુજબ મંત્રીઓ આ પ્રસ્તાવ પર સંમત થયા હતા અને બેઠકમાં હાજર ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના વરિષ્ઠ અધિકારીઓને આ કરારના સાક્ષી બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું- 'મેં IB અધિકારીઓને કહ્યું, તમે આ કરારના સાક્ષી છો. જ્યાં સુધી હું તમામ પક્ષોની હાજરીમાં આ સમાચાર સાર્વજનિક ન કરી દઉં, ત્યાં સુધી કોઈ પણ મીડિયાને તસવીરો આપશે નહીં.' તેઓ સંમત થયા અને તેમણે વચન આપ્યું. પરંતુ આ વચન થોડી જ મિનિટોમાં તૂટી ગયું.
સોનમે કહ્યું- હું બીજી પાર્ટીઓના નેતાઓની તસવીરો લેવાની રાહ જોઈ રહ્યો હતો. પાંચ મિનિટની અંદર, એક સિનિયર IB ઓફિસર શ્વાસ ચડી ગયેલી હાલતમાં આવ્યો અને બોલ્યો, 'સર, મને નથી ખબર કેવી રીતે, પણ આ તસવીરો પહેલેથી જ ટેલિવિઝન ચેનલો પર ચાલી રહી છે. નેતાઓ પરથી મારો વિશ્વાસ ઉઠી ગયો હતો'

