આતંકી હુમલાની આશંકાથી તમે પ્રવાસ રદ કર્યો તો લોકોને કેમ જવા દીધા, આ તમારી દેશભક્તિ છે? ખડગે

રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર વિશે ચાલી રહેલી ચર્ચામાં રાજનાથ સિંહની રજૂઆત બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, પીએમ મોદીમાં સાંભળવાની ક્ષમતા ના હોય તો ખુરશી છોડી દેવી જોઈએ. હુમલાના ત્રણ દિવસ પહેલા પીએમ મોદીએ પોતાનો પ્રવાસ રદ કર્યો હતો જેનો લેખિતમાં હજુ સુધી જવાબ મળ્યો નથી. સરકારને પહેલાથી હુમલાની આશંકા હતી ત્યાં જવાનો પોગ્રામ રદ કર્યો. જ્યાં ટુરિસ્ટ જઇ રહ્યાં છે, દર્શન માટે જઇ રહ્યાં છે તે લોકોને જવા દીધા. અને ગૃહમંત્રી અહીં કાનમાં કહે છે ત્યાં જવું યોગ્ય નથી. સ્થિતિ સારી નથી. પોતાનો જીવ બચાવવામાં બીજાનો જીવ જતો રહ્યો તો શું ચાલી શકે, શું આ તમારી દેશભક્તિ છે?
સાઉદી અરબથી સીધા બિહાર ચૂંટણી પ્રચાર કરવા જતા રહ્યાં
તમે ચૂંટણી પ્રચારમાં બિહારમાં ફરો છો આ તમારી દેશભક્તિ છે? આજે આ સદનમાં બેસવુ જોઇતું હતું. સાંભળવાની ક્ષમતા ના હોય તો તમે આ ખુરશી પર બેસવાને લાયક નથી. પહેલગામમાં હુમલો થયો ત્યારે પીએમ મોદી સાઉદી અરબથી સીધા બિહાર ચૂંટણી પ્રચાર કરવા જતા રહ્યાં. વડાપ્રધાન રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે શું આ ગંભીરતા છે?
વર્ષ 2016માં ઉરી અને પઠાણકોટમાં આતંકી હુમલો થયો. 2019માં પુલવામા અને હવે 2025માં પહેલગામ આતંકી હુમલો થયો. આ બધી ઘટનામાં સ્પષ્ટ છે કે વારંવાર દેશની સુરક્ષા અને ઇન્ટેલિજન્ટમાં ચૂક થઇ રહી છે આ તમારે માનવું જ પડશે. હું ગૃહમંત્રીને પૂછવા માંગુ છું કે તેના માટે કોણ જવાબદાર છે?
એક દિવસ તમારો ઘમંડ તોડનારા લોકો આવશે
પહેલગામમાં હુમલો 22 એપ્રિલ 2025માં થયો હતો. પહેલા દિવસથી જ વિપક્ષ સંસદનું સ્પેશ્યલ સેશન બોલાવવાની માંગ કરી હતી. તમે નકાર્યું. તમે નકારીને એમ કહ્યું કે, સમય આવવા પર તેનો જવાબ આપીશું. બાદમાં તમે લોકો આ રીતે રજૂ થઇ રહ્યાં છો કે જે કંઇ અમે કર્યું તે સારું કર્યું. મેં અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પત્ર લખી વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી હતી. તેનો કોઇ જવાબ જ ના આવ્યો. અમારા પત્રને ડસ્ટબીનમાં નાંખી દેવામાં આવે છે. આટલો અહંકાર હોય તો એકને એક દિવસ તમારો ઘમંડ તોડનારા લોકો આવશે.
જેટ તૂટ્યા કે નહીં, દેશને સત્ય જણાવો
મોદીજી ગાળોનો હિસાબ રાખે છે પરંતુ ભારતના સન્માન વિરૂદ્ધ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની વાત પર કેમ ચૂપ બેઠા છે? કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે, 5 જેટ તોડવામાં આવ્યા? વિદેશમાં જઈને કોઈ દેશનો પ્રચાર કોણ કરે છે? આપણું એક પણ જેટ તૂટ્યું નથી. અમેરિકા- રાજનાથ સિંહ આ ઝંઝટમાં અમે નથી પડવા માંગતા. પણ તેઓ અમને અને દેશને સત્ય જણાવે.
પીએમ મોદીને કર્યા સણસણતા સવાલ
- કઇ શરતો પર આ સિઝફાયર થયું અને પાકિસ્તાન બેકફૂટ પર હોવા છતાં તમે કેમ સ્વીકાર્યું?
- શું યુનાઇટેડ સ્ટેટ્સે ઇન્ટરફેર કર્યો, હાં તો કોના કહેવા પર અને કઇ શરતો પર તમે કર્યું?
- યુએસ પ્રેસિડેન્ટે આ સિઝફાયર કરાવ્યું, તે વારંવાર દાવો કરે છે અને હાં તો આ ભારતનો થર્ડ પાર્ટી મેડિટેશન વિરૂદ્ધ નથી?
- શું ટ્રેડ થ્રેટ કે અન્ય ઇકોનોમી બ્લેકમેઇલને કારણે આ સિઝફાયરને માનવું પડ્યું?
રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આજે તેઓ જવાહરલાલ નેહરુ પર આ ટિપ્પણી કરી રહ્યા છે. જ્યારે આ લોકો બાળકો હતા, ત્યારે તેઓ જ કહેતા હતા કે ચાચા નેહરુ આવ્યા. કેન્દ્ર પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે તમે ફક્ત જુઠ્ઠાણાની ફેક્ટરીઓ બનાવી છે. લોકો તમારી વાત પર વિશ્વાસ નહીં કરે. તમારે સત્ય બોલવું જોઈએ. સરકારે સત્ય સાંભળવાની હિંમત બતાવવી જોઈએ. તમે આમંત્રણ આપ્યા વિના લોકોને મળવા જાઓ છો.
આતંકવાદીઓ પહેલગામમાં કેવી રીતે આવ્યા
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આતંકવાદીઓ પહેલગામમાં કેવી રીતે આવ્યા, શું આ ગૃહમંત્રીની જવાબદારી નથી. દરેક વ્યક્તિ નંબર 1 અને 2 થી ડરે છે. LG મનોજ સિન્હાએ જવાબદારી લીધી. LG એ સ્વીકાર્યું કે, સુરક્ષામાં ખામીને કારણે હુમલો થયો હતો. જો સુરક્ષામાં નિષ્ફળતા મળી હોય, તો જવાબદારી ક્યારે નક્કી થશે? શું LG એ ગૃહમંત્રીને બચાવવા માટે આ જવાબદારી સ્વીકારી?
કોઇના દબાણમાં ઓપરેશન સિંદૂર સ્થગિત કરવામાં નથી આવ્યું
રાજનાથ સિંહે રાજ્યસભામાં ખડગેને જવાબ આપતા કહ્યું કે, વિદેશ મંત્રીએ લોકસભામાં સ્પષ્ટ કર્યું કે, આજ સુધી આપણા વડાપ્રધાનની કોઇ વાત ટ્રમ્પ સાથે નથી થઇ.વિદેશ મંત્રીએ સ્પષ્ટ કરી છે. હું ફરી કહેવા માંગુ છું કે કોઇના દબાણમાં ઓપરેશન સિંદૂર સ્થગિત કરવામાં નથી આવ્યું. ઓપરેશન સિંદૂર એટલા માટે સ્થગિત થયું કે પાકિસ્તાનના DGMOની ભલામણ પર આ સમાપ્ત થયું છે.કોઇ થર્ડ પાર્ટીને અમે એન્ટરટેઇન નથી કરતા. આ પોલિસી વિરૂદ્ધ તમે કેમ ગયા?

