VIDEO: રાઘવ ચઢ્ઢાનો વોટ રદ થવાના આરે? પંજાબ સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ, મંત્રી અમન અરોરાએ આપ્યો જડબાતોડ જવાબ!
પંજાબની મતદાર યાદીના ડ્રાફ્ટ (SIR - સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)માં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાના નામ સામે 'Shifted' (સ્થળાંતરિત) દર્શાવવામાં આવતાં રાજકીય વિવાદ વકરી ગયો છે. રાઘવ ચઢ્ઢા દ્વારા પંજાબ સરકાર પર બદલાની રાજનીતિના આક્ષેપો મૂકવામાં આવ્યા બાદ પંજાબના કેબિનેટ મંત્રી અમન અરોરાએ વળતો આકરો પ્રહાર કર્યો છે.
અમન અરોરાએ પંજાબ સરકાર કે આમ આદમી પાર્ટીની કોઈ સંડોવણી હોવાનો સ્પષ્ટ ઇનકાર કરતાં જણાવ્યું કે, "મતદાર યાદી સુધારણા (SIR)ની સમગ્ર કવાયત ચૂંટણી પંચનો અધિકાર છે. આ એ જ ચૂંટણી પંચ છે જેને કેન્દ્ર સરકાર રિમોટ કંટ્રોલથી ચલાવી રહી છે. જ્યારે આ કામ ચૂંટણી પંચ કરી રહ્યું હોય ત્યારે તેમાં પંજાબ સરકાર કે આમ આદમી પાર્ટીનો શું રોલ હોઈ શકે? અહીં બદલાની ભાવનાનો સવાલ જ ક્યાં ઊભો થાય છે?"
તેમણે રાઘવ ચઢ્ઢાને પડકાર ફેંકતાં ઉમેર્યું હતું કે, "તેઓ પોતાના માન્ય દસ્તાવેજો ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરે. જો તેમના કાગળો સાચા અને માન્ય જણાશે તો બીએલઓ (BLO) અને ભારતીય ચૂંટણી પંચ તેમના મતને પુનઃસ્થાપિત કરી દેશે."
નોંધનીય છે કે પંજાબના મોહાલીમાં નોંધાયેલા મતદાર યાદી ડ્રાફ્ટમાં નામની સ્થિતિને લઈને રાઘવ ચઢ્ઢાએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે, આપ નેતાના આ નિવેદન બાદ હવે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ અને પંજાબ સરકાર વચ્ચે વાક્યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે.

