ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પોસ્ટલ સેવાઓની કાયાપલટ થશે, મોદી કેબિનેટની બેઠકમાં દેશના વિકાસ માટે ₹19,934 કરોડના 5 ઐતિહાસિક નિર્ણયો

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પોસ્ટલ સેવાઓની કાયાપલટ થશે, મોદી કેબિનેટની બેઠકમાં દેશના વિકાસ માટે ₹19,934 કરોડના 5 ઐતિહાસિક નિર્ણયો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસને વેગ આપવા માટે કુલ 19,934 કરોડ રૂપિયાના 5 મોટા નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયોમાં કન્સ્ટ્રક્શન મશીનરી ઉત્પાદન, બંદર વિકાસ, નવા એરપોર્ટ અને પોસ્ટલ સેવાઓના આધુનિકીકરણનો સમાવેશ થાય છે.

1… કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મશીનરી મેન્યુફેક્ચરિંગ સ્કીમ

જાહેરાત

ભારતને ક્રેન, બુલડોઝર અને ટનલ બોરિંગ મશીનોના ઉત્પાદનનું ગ્લોબલ હબ બનાવવા માટે સરકારે 11,000 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી છે. હાલમાં દેશની જરૂરિયાતના 45 ટકા ઉપકરણો ચીન જેવા દેશોમાંથી આયાત કરવા પડે છે, જેના પરની નિર્ભરતા ઘટાડવા માટે 8 વર્ષ સુધી આ યોજના લાગુ રહેશે. આ અંતર્ગત ટનલ બોરિંગ મશીન, એક્સકેવેટર, ક્રેન સહિત 7 શ્રેણીના ભારે ઉપકરણો અને એન્જિન તથા હાઈડ્રોલિક સિસ્ટમ જેવા 5 મુખ્ય પાર્ટ્સનું દેશમાં જ ઉત્પાદન કરનારી કંપનીઓને પ્રોત્સાહન અપાશે. ઉપરાંત, મશીનોના ટેસ્ટિંગ સેન્ટર માટે ARAI ને 375 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે અને આ યોજનાથી 21,000 કરોડ રૂપિયાનું રોકાણ આવવાની અપેક્ષા છે.

2… કામરાજાર પોર્ટ પર નવું કન્ટેનર ટર્મિનલ

તમિલનાડુના કામરાજાર પોર્ટ લિમિટેડ (KPL) ખાતે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળ બીજા કન્ટેનર ટર્મિનલના નિર્માણને લીલી ઝંડી મળી છે. 4,288.26 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો આ 900 મીટર લાંબો પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે, જેની વાર્ષિક ક્ષમતા 2.0 મિલિયન TEUs હશે. આ પ્રોજેક્ટનો સંપૂર્ણ ખર્ચ ખાનગી કંપનીઓ ઉઠાવશે, જેથી સરકાર પર કોઈ નાણાકીય બોજ નહીં પડે. આ ટર્મિનલ મોટા જહાજોને હેન્ડલ કરી શકશે અને તેનાથી આશરે 1,550 લોકોને રોજગારી મળશે.

3… આસામના સિલચરમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ

કેબિનેટે આસામના સિલચર સ્થિત ડોલૂ (Doloo) ખાતે 2,014 કરોડ રૂપિયાના ખર્ચે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણને મંજૂરી આપી છે. 12,351 ચોરસ મીટરમાં ફેલાયેલું આ ટર્મિનલ પીક અવરમાં 800 મુસાફરોને સંભાળવાની ક્ષમતા ધરાવશે, જેમાં A-320 વિમાનો માટે 2,705 મીટર લાંબો રનવે અને 6 વિમાનોના પાર્કિંગની સુવિધા હશે. બરાક ખીણમાં આવેલું આ એરપોર્ટ દક્ષિણ આસામ અને પડોશી રાજ્યોમાં વેપાર, કૃષિ ઉદ્યોગો અને પ્રવાસનને મોટું પ્રોત્સાહન આપશે.

4… પોસ્ટલ ઓપરેશન્સ સ્કીમ

ટપાલ વિભાગની કામગીરીને વધુ આધુનિક અને ઝડપી બનાવવા માટે કેન્દ્રીય કેબિનેટે પોસ્ટલ ઓપરેશન્સ સ્કીમ હેઠળ 1,141 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે.

5… એસ્ટેટ મેનેજમેન્ટ સ્કીમ

ટપાલ વિભાગની મિલકતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના યોગ્ય સંચાલન અને જાળવણી માટે એસ્ટેટ મેનેજમેન્ટ સ્કીમ હેઠળ 1,491 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત