અમેરિકા સામે ભારતે મૂકી આકરી શરત! જો આ નહીં થાય તો ડીલ કેન્સલ... પીયૂષ ગોયલના નિવેદનથી ખળભળાટ!

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત-અમેરિકા વચ્ચે થનાર વેપાર સમજૂતી કરાર અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ મામલે ભારતનું સ્પષ્ટ વલણ જણાવી કહ્યું કે, જો અમેરિકા આપણા પ્રતિસ્પર્ધી દેશો(જેમ કે, વિયેતનામ, બાંગ્લાદેશ, ચીન વગેરે)ની સરખામણીમાં ભારતને વધુ અનુકૂળ ટૅરિફ દર આપશે, તો જ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
અમેરિકા ટૅરિફમાં રાહત આપશે તો જ સમજૂતી કરાશે : પીયૂષ ગોયલ
ગોયલે ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ અંગેના એક કાર્યક્રમમાં કહ્યું કે, ‘જ્યારે અમેરિકા આપણા સ્પર્ધક દેશોની સરખામણીમાં ભારતને વધુ ટૅરિફ આપવા માટે તૈયાર થશે, ત્યારે અમે BTA(વેપાર કરાર)ને અંતિમ સ્વરૂપ આપીશું અને તેની સંપૂર્ણ વિગતો જાહેર કરીશું. ભારત દ્વારા અંતિમરૂપ અપાયેલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી સ્થાનિક વેપારીઓને નિકાસની મોટી તક મળશે.’
ભારત આગામી સમયમાં અનેક દેશો સાથે કરશે વેપાર સમજૂતી
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ‘ભારત આગામી મહિનાઓ અથવા વર્ષોમાં કેનેડા, મેક્સિકો, ચિલી, મર્કોસુર, એસએસીયૂ, જીસીસી અને ઈઝરાયલ સાથે પણ વેપાર સમજૂતી કરાર કરશે.’ મર્કોસુર દક્ષિણ અમેરિકાનું મુખ્ય પ્રાદેશિક આર્થિક અને વેપારી સંગઠન છે, જ્યારે એસએસીયૂ દક્ષિણ આફ્રિકી સીમા શુલ્ક સંઘ અને જીસીસી ખાડી સહયોગ પરિષદ છે. જીસીસીમાં પશ્ચિમ એશિયાના 6 દેશો સામેલ છે.
ગોયલ અમેરિકામાં સમજૂતી પર ચર્ચા કરશે
ઉલ્લેખનીય છે કે, ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે 2 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, પીયૂષ ગોયલ આ મહિનાના અંતમાં અમેરિકાનો પ્રવાસ કરશે. તેઓ ત્યાં G20 વેપાર મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર ચર્ચા કરશે. સર્જિયો ગોરે એવું પણ કહ્યું હતું કે, બંને દેશો પોતાના વેપાર સંબંધો મજબૂત કરવા માટે મળીને કામ કરી રહ્યા છે અને સમજૂતી પર થઈ રહેલી ચર્ચા સફળતાપૂર્વક આગળ વધી રહી છે.

