VIDEO: 'જીતો તો લોકશાહી મહાન અને હારો તો મત ચોરી?' ચૂંટણી પંચ સામે INDIA ગઠબંધનના ધરણાં પર ભડક્યા કેન્દ્રીય મંત્રી શિવરાજ!
ચૂંટણી પંચ (ECI) અને મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા સામે INDIA ગઠબંધન દ્વારા દેશભરમાં કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનો પર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આકરા પ્રહારો કર્યા છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કોંગ્રેસ પર બોગસ મતદાનનું રક્ષણ કરવાનો અને ચૂંટણીમાં બેવડા વલણ અપનાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
'બોગસ મતો સાથે કોંગ્રેસને કેવો પ્રેમ છે?'
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિપક્ષના આંદોલન સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, "આખરે કોંગ્રેસને નકલી અને બોગસ વોટ સાથે આટલો બધો પ્રેમ કેમ છે? શું તેઓ જાણે છે કે કોંગ્રેસનું રાજકારણ માત્ર આવા બોગસ મતોના સહારે જ ટકી શકે તેમ છે? વિપક્ષ આજે આવા નકલી મતોનું રક્ષણ કરવા માટે રસ્તા પર ઉતરી રહ્યો છે."
તેમણે આગળ ભારપૂર્વક જણાવ્યું કે, "સ્વચ્છ અને પારદર્શક મતદાર યાદી એ લોકશાહીનો સાચો આત્મા છે. લોકશાહીની પવિત્રતા સાચી અને ચોક્કસ મતદાર યાદી પર નિર્ભર કરે છે. પરંતુ જ્યારે પણ ચૂંટણી પંચ દ્વારા યાદીના શુદ્ધિકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, ત્યારે કોંગ્રેસ પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે અને બેચેન થઈ જાય છે."
'જીતો ત્યારે બધું સારું, હારો એટલે મત ચોરી!'
વિપક્ષ દ્વારા લગાવવામાં આવતા મતોની ચોરીના આક્ષેપો પર પલટવાર કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, "તમે મત ચોરીની વાતો કરો છો, પરંતુ કર્ણાટક, હિમાચલ પ્રદેશ, કેરળ, ઝારખંડ અને પંજાબમાં શું થયું હતું? જ્યારે તમે ચૂંટણી જીતો છો ત્યારે લોકશાહી પણ બરાબર હોય છે અને મતદાર યાદી પણ સાચી લાગે છે. પરંતુ જ્યાં તમારી હાર થાય છે, ત્યાં તમે મત ચોરી અને સંસ્થાઓ પર દોષારોપણ કરવાનું શરૂ કરી દો છો. આ તેમની બેવડી નીતિ છતી કરે છે."
મતદાર યાદી અને ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર વિપક્ષ સતત સવાલો ઉઠાવી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય મંત્રીના આ તીખા પ્રહારો બાદ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેનો વાકયુદ્ધ વધુ તેજ બન્યો છે.

