VIDEO: 'મતદાનનો અધિકાર ખરો, પણ સિસ્ટમ હાઇજેક ન થવી જોઈએ!' લોકશાહી અને હિંસા મુદ્દે નકવીએ કોના પર સાધ્યું નિશાન?
નાગરિકોના મતાધિકાર (Right to Vote) અંગે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ઉજ્જલ ભુયાન દ્વારા વ્યક્ત કરવામાં આવેલા વિચારો બાદ ભાજપના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવીનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન છે, પરંતુ તેના નામે હિંસક અરાજકતા ફેલાવીને જીવંત લોકશાહીનું અપહરણ કરવાની છૂટ કોઈને પણ ન મળવી જોઈએ.
અભિવ્યક્તિની આઝાદી એ લોકશાહીની સુંદરતા
દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતાં મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, "લોકો પોતાના વિચારો મુક્તપણે વ્યક્ત કરી શકે છે અને તે જ આપણી ભારતીય લોકશાહીની સૌથી મોટી સુંદરતા છે. લોકશાહીથી વધુ સુંદર બીજું કશું હોઈ જ ન શકે. દરેક વ્યક્તિના પોતાના મંતવ્યો અને અભિપ્રાય હોય છે, અને વ્યવસ્થામાં દરેક બાબત સાથે દરેક વ્યક્તિ સહમત થાય તે પણ શક્ય નથી."
'સાવધાની હટી, દુર્ઘટના ઘટી'ની આપી ચેતવણી
પોતાના નિવેદનમાં ચેતવણીભર્યો સૂર ઉચ્ચારતાં ભાજપ નેતાએ ઉમેર્યું કે, "આ તમામ બાબતો વચ્ચે સૌએ એક મૂળભૂત વાત સમજવી અત્યંત જરૂરી છે કે હિંસક અરાજકતા ઊભી કરીને લોકશાહીનું અપહરણ (હાઈજેકિંગ) ન થવા દેવું જોઈએ. તે કોઈપણ સિસ્ટમ હોય કે પછી સમાજનો કોઈપણ વર્ગ હોય, દરેકે આ બાબતે અત્યંત સજાગ અને સતર્ક રહેવું પડશે. જો સજાગ નહીં રહીએ તો 'સાવધાની હટી, દુર્ઘટના ઘટી' જેવી સ્થિતિ સર્જાઈ શકે છે."
અરાજકતા સામે સૌ એકમત હોવા જરૂરી
તેમણે વધુમાં ભારપૂર્વક કહ્યું કે, કોઈ વ્યક્તિ સિસ્ટમની દરેક વાત સાથે સહમત ન હોય તે સમજી શકાય છે, પરંતુ દેશમાં કોઈપણ પ્રકારની હિંસક અરાજકતા કે અવ્યવસ્થા ઊભી થાય તેની સાથે કોઈ પણ સહમત ન થઈ શકે. લોકશાહીના રક્ષણ માટે શાંતિ અને કાયદાનું શાસન સર્વોપરી હોવું અનિવાર્ય છે.

