Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Huge uproar over BJP ticket cutting in Datia: Amid fierce protest, police thrashed in presence of Collector-SP, many injured

VIDEO: દતિયામાં ભાજપની ટિકિટ કપાતા ભારે હોબાળો: ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે કલેક્ટર-એસપીની હાજરીમાં પોલીસ પર પથરાવ, અનેક ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્ય પ્રદેશના દતિયામાં આગામી વિધાનસભા પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાને ટિકિટ ન આપવામાં આવતા ભારે હોબાળો મચી ગયો છે. ભાજપના આ નિર્ણયથી નારાજ થયેલા હજારો સમર્થકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કરીને નેશનલ હાઈવે (NH-44) જામ કરી દીધો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પહોંચેલી પોલીસ પર ઉપદ્રવીઓએ ભારે પથરાવ કર્યો હતો, જેમાં કલેક્ટર-એસપીની હાજરી વચ્ચે કેટલાય પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

App Store

નેશનલ હાઈવે-44 પર ચક્કાજામ: 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો

દતિયાના પોલીસ અધિક્ષક (એસપી) મયૂર ખંડેલવાલે જણાવ્યું કે શુક્રવાર સાંજથી જ 3000થી વધુ ઉપદ્રવીઓએ એકઠા થઈને શહેરનો માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રદર્શનકારીઓએ પહેલા બજારો બંધ કરાવવાની કોશિશ કરી અને ત્યારબાદ સાંજે 6 વાગ્યાથી જ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરીને બેસી ગયા હતા.

હજારોની ભીડ દ્વારા NH-44 રોકી દેવામાં આવતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો અને રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ આક્રોશના કારણે હાઈવે પર અંદાજે 15 કિલોમીટર લાંબો ભીષણ ટ્રાફિક જામ સર્જાયો હતો, જેની સીધી અસર દતિયાની સરહદને અડીને આવેલા પડોશી જિલ્લાઓ પર પણ જોવા મળી હતી. કલેક્ટર અને એસપીએ પ્રદર્શનકારીઓ સાથે વારંવાર વાતચીત કરીને રસ્તો ખાલી કરવા અપીલ કરી હતી, પરંતુ સમર્થકો માન્યા નહોતા.

વહેલી સવારે 4 વાગ્યે પોલીસ પર અચાનક હુમલો: ટીયર ગેસના ગોળા છોડાયા

પ્રશાસનની તમામ વિનંતીઓ અને અપીલ છતાં, શનિવારે વહેલી સવારે આશરે 4 વાગ્યે પ્રદર્શનકારીઓએ અચાનક પોલીસ ફોર્સ પર ચારેય તરફથી ભારે પથરાવ શરૂ કરી દીધો હતો. અચાનક થયેલા આ હુમલા બાદ સ્થિતિ વણસતા પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના ગોળા છોડવા પડ્યા હતા, જેનાથી ઉશ્કેરાઈને ઉપદ્રવીઓએ પથરાવ વધુ તેજ કરી દીધો હતો. આ હિંસક હુમલામાં 6થી વધુ પોલીસકર્મીઓ લોહીલુહાણ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હિંસા દરમિયાન હિંમતપૂર્વક મોરચો સંભાળી રહેલા એસપી મયૂર ખંડેલવાલ અને એડિશનલ એસપીને પણ શરીરે ઈજાઓ પહોંચી છે.

પોલીસની કડક કાર્યવાહી: દતિયા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત

પોલીસ ટીમ પર થયેલા આ ઘાતક હુમલા બાદ સુરક્ષા દળોએ ફરીથી ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો અને સમગ્ર વિસ્તારમાં પોતાનો દબદબો બનાવીને તોફાની તત્વોને ત્યાંથી ખદડી મૂક્યા હતા. એસપીના જણાવ્યા અનુસાર, હુમલો કરનારા ઉપદ્રવીઓ અત્યારે અલગ-અલગ જગ્યાએ છુપાઈ ગયા છે.

પોલીસે તમામને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે તેઓ કાં તો પોતે આત્મસમર્પણ કરી દે અથવા શાંતિપૂર્ણ રીતે ત્યાંથી ચાલ્યા જાય. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ કાળે હાઈવે પર ચક્કાજામ સહન કરવામાં આવશે નહીં. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરીને કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં હાઈવે પરથી ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી ચાલી રહી છે અને આગામી સમયમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે સમગ્ર દતિયા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.