VIDEO: કેરળમાં ભયાનક માર્ગ અકસ્માત: હાઈવે પર લૉરી સાથે કાર અથડાતાં 8 યુવકોના મોત
કેરળના ત્રિશૂર (Thrissur) જિલ્લામાં શુક્રવારની મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો હતો. હાઈવે પર ઉભેલી લૉરી સાથે એક કાર ધડાકાભેર અથડાતાં કારમાં સવાર તમામ 8 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટના રાત્રે લગભગ 11:40 વાગ્યે ત્રિશૂર નજીક પનમ્બિકુન્નુ (Panambikkunnu) વિસ્તારમાં બની હતી. યુવકોને લઈને જતી કાર હાઈવે પર ઉભેલી લૉરી સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર કોઈપણ યુવકને બચાવી શકાયો નહોતો.
સ્થાનિક લોકોએ પોલીસને આપી જાણ
અકસ્મતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોકોએ પોલીસને (Police) સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ અને બચાવ ટીમ (Rescue Team) ઘટનાસ્થળે પહોંચી હતી અને કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
પોલીસે તમામ મૃતદેહોને બહાર કાઢીને ત્રિશૂર મેડિકલ કોલેજની (Medical College) મોર્ચરીમાં મોકલી આપ્યા હતા. અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મૃતકો વિદ્યાર્થીઓ હોવાની આશંકા
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલી કાર તમિલનાડુ (Tamil Nadu) નંબરની હતી. તેથી કારમાં સવાર યુવકો તમિલનાડુના વિદ્યાર્થીઓ (Students) હોવાની પોલીસને આશંકા છે. જોકે, મૃતકોની ચોક્કસ ઓળખ અંગે સત્તાવાર માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
કાર ગુરુવાયુરથી કોડુંગલ્લૂર તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસ હવે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરી રહી છે. લૉરી હાઈવે પર કયા સંજોગોમાં ઉભી હતી અને કાર ચાલકને લૉરી કેમ દેખાઈ નહીં, તે સહિતના મુદ્દાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

