'ગૃહમંત્રી ગૃહમાં જવાબ આપવા આવવા તૈયાર, વિપક્ષને હંગામો ન કરે'; સંસદના ચોમાસુ સત્રમાં વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા કરશે સરકાર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિદ્યાર્થી આંદોલનને લઈને સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સંસદીય બાબતોના મંત્રી કિરણે રિજિજુએ જણાવ્યું છે કે સરકાર વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર સદનમાં વિગતવાર અને પૂર્ણ ચર્ચા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે ઉમેર્યું કે વિપક્ષ જે પણ મુદા ઉઠાવવા માંગે છે, સરકાર તે તમામના જવાબ આપશે અને આ મુદ્દે સરકાર તરફથી ગૃહમંત્રી પોતે જવાબ રજૂ કરશે. તાજેતરમાં NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને લઈને વિપક્ષ સંસદમાં સતત ચર્ચાની માંગ કરી રહ્યો છે.
કિરેન રિજિજુએ વિપક્ષને અપીલ કરી છે કે જ્યારે વિદ્યાર્થી આંદોલન પર ચર્ચા થઈ રહી હોય ત્યારે સદનમાં હંગામો મચાવવાને બદલે શાંતિપૂર્ણ રીતે ચર્ચા કરવામાં આવે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓના હિત સાથે જોડાયેલા આ મુદ્દાઓ અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ છે, તેથી સંસદમાં તેના પર ગંભીરતાથી ચર્ચા થવી જરૂરી છે.
BAC બેઠકમાં ચર્ચાનો પ્રસ્તાવ
બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC) ની બેઠકમાં સરકાર દ્વારા વિદ્યાર્થી આંદોલન પર ચર્ચા કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. જોકે, વિપક્ષે આ બેઠક દરમિયાન અયોધ્યાના રામ મંદિર સંબંધિત દાનમાં થયેલી કથિત ગેરરીતિઓ અંગે પણ ચર્ચા કરવાની માંગ મૂકી હતી. આ કારણે સદનમાં કયા મુદ્દાઓને પ્રાથમિકતા આપવી તેને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે મતભેદ સામે આવ્યા છે.
FCRA અને સીમાંકન બિલ પર ચર્ચા નહીં
BAC માં પ્રસ્તાવિત FCRA સુધારા અને સીમાંકન (Delimitation) ને લગતા વિધેયકો પર ચર્ચા કરવા માટે હાલમાં કોઈ પ્રસ્તાવ રાખવામાં આવ્યો નથી. સરકારની હાલની પ્રાથમિકતા વિદ્યાર્થી આંદોલન અને પરીક્ષા પદ્ધતિમાં સુધારા સાથે જોડાયેલા મુદ્દાઓ છે.
આ અગાઉ, સરકારે લોકસભામાં 'પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026' રજૂ કરી દીધું છે. આ વિધેયકનો મુખ્ય હેતુ પેપર લીક અને પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને અટકાવવા માટેના કાનૂની માળખાને વધુ મજબૂત બનાવવાનો છે. સરકારે વિપક્ષને આ બિલ પર પણ વિસ્તૃત ચર્ચામાં ભાગ લેવા વિનંતી કરી છે.
સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ યથાવત
વિદ્યાર્થી આંદોલનને લઈને સંસદની અંદર અને બહાર રાજકીય ગરમાવો જળવાઈ રહ્યો છે. વિપક્ષ વિદ્યાર્થીઓ પર થયેલી કથિત પોલીસ કાર્યવાહી અને પેપર લીકના મુદ્દે સરકાર પાસે જવાબ માંગી રહ્યો છે, જ્યારે સરકારનું કહેવું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કાયદાકીય અને પરીક્ષા પદ્ધતિમાં સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સદનમાં આ મુદ્દે ચર્ચા ક્યારે શરૂ થાય છે અને વિપક્ષ કયા પ્રશ્નો પ્રમુખતાથી ઉઠાવે છે.

