VIDEO: "ગૃહમંત્રી અને વડાપ્રધાન દેશની જનતા સમક્ષ માફી માગે": વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ અને રામ મંદિર ચંદા ચોરી મુદ્દે મલ્લિકાર્જુન ખડગેના પ્રહાર
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. વિદ્યાર્થીઓના આંદોલન પર થયેલી પોલીસ કાર્યવાહી અને અયોધ્યા રામ મંદિરના દાનમાં થયેલી ગેરરીતિઓના મુદ્દે વિપક્ષે સરકાર સામે મોરચો માંડ્યો છે.
કોંગ્રેસ પ્રમુખે સરકારના વલણ સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, "છેલ્લા 15 દિવસથી વડાપ્રધાન અને ગૃહમંત્રી આ બે મહત્ત્વના મુદ્દાઓ પર મૌન સેવીને બેઠા છે અને કોઈ જવાબ આપી રહ્યા નથી. દેશના યુવાનો અને કરોડો શ્રદ્ધાળુઓ સાથે જોડાયેલા આ મુદ્દાઓ પર વિપક્ષ એકસૂર થઈને લડાઈ લડી રહ્યો છે અને આ લડાઈ આગળ પણ ચાલુ રહેશે." સંસદમાં આ બંને મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાવવા માટે વિપક્ષી પક્ષો સતત હંગામો અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેના કારણે સદનની કામગીરી વારંવાર ખોરવાઈ રહી છે.
મલ્લિકાર્જુન ખડગેએ સંસદ સંકુલમાં પત્રકારો સાથેની મુલાકાતમાં કોંગ્રેસ અને વિપક્ષની ત્રણ સ્પષ્ટ માંગણીઓ દેશ સામે રજૂ કરી કરતાં કહ્યું કે, "અમારી પ્રથમ માંગ એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે સદનમાં આવે અને દેશને જણાવે કે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પેલેટ ગન, ટીયર ગેસ અને લાઠીચાર્જ જેવા આકરા બળપ્રયોગ કેમ કરવામાં આવ્યા?"
બીજો મુદ્દો "મોદીજી દ્વારા નિમાયેલા વિશ્વાસુ ટ્રસ્ટીઓએ રામ મંદિરમાં ચોરી અને ગેરરીતિઓ કરી છે. વિરોધ પક્ષોએ માંગ કરી હતી કે વડાપ્રધાન પોતે આ મામલે સદનમાં વિગતો જાહેર કરે, પરંતુ અત્યાર સુધી કંઈ જ કરવામાં આવ્યું નથી."
"અમારી ત્રીજી માંગ એ છે કે આ બંને ગંભીર મુદ્દાઓ પર થયેલી ભૂલો માટે વડાપ્રધાન અને ગૃહમંત્રી દેશની જનતાની સમક્ષ જાહેરમાં માફી માગે."

