VIDEO: ઉત્તરાખંડમાં ભારે વરસાદનો કહેર! 15 હજારથી વધુ ચારધામ યાત્રાળુ અટવાયા, કેદારનાથથી 1200નું રેસ્ક્યૂ
ઉત્તરાખંડમાં ભારે વરસાદ (Heavy Rainfall) અને ખરાબ હવામાનને કારણે ચારધામ યાત્રા (Chardham Yatra) પર મોટો બ્રેક લાગ્યો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં 15 હજારથી વધુ યાત્રાળુઓ અને પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ રોકવામાં આવ્યા છે. કેદારનાથ અને હેમકુંડ સાહિબની યાત્રા પણ રોકી દેવામાં આવી છે. હવામાનમાં સુધારો થતાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) શરૂ કરવામાં આવ્યું છે. કેદારનાથથી અત્યાર સુધીમાં આશરે 1200 યાત્રાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
છ હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ ઓપરેશન
પ્રશાસને ફસાયેલા યાત્રાળુઓ અને ટ્રેકર્સને બહાર કાઢવા માટે છ હેલિકોપ્ટર (Helicopters) તૈનાત કર્યા છે. સંભવિત રેસ્ક્યૂ પોઈન્ટની આસપાસ હેલિપેડ પણ ઓળખવામાં આવ્યા છે. એનડીઆરએફ (NDRF) અને એસડીઆરએફ (SDRF)ની ટીમોને પણ તૈનાત રાખવામાં આવી છે. હવામાન સાફ થતાં સોમવારે ફરી હેલિકોપ્ટર દ્વારા રેકી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવાની તૈયારી છે.
કેદારનાથ જતા 5 હજાર યાત્રાળુ રોકાયા
કેદારનાથ જતા આશરે પાંચ હજાર યાત્રાળુઓને ગૌરીકુંડ, સોનપ્રયાગ અને ગુપ્તકાશીમાં રોકવામાં આવ્યા છે. જ્યારે લગભગ એક હજાર યાત્રાળુઓ કેદારનાથ ધામમાં જ રોકાયેલા છે. ભારે વરસાદને કારણે રવિવારે કેદારનાથ યાત્રા સંપૂર્ણપણે બંધ રહી હતી. પદયાત્રા માર્ગ પર પણ અવરજવર અટકાવવામાં આવી હતી.
ગંગોત્રી-યમુનોત્રી અને હેમકુંડમાં પણ યાત્રા અટકાવી
ગંગોત્રી અને યમુનોત્રી જતા લગભગ સાત હજાર યાત્રાળુઓને બડકોટ, દોબાટા અને ખારાડી સહિતના વિસ્તારોમાં રોકવામાં આવ્યા છે. હેમકુંડ સાહિબ જતા શ્રદ્ધાળુઓને ઘાંઘરિયા અને ગોવિંદઘાટથી આગળ જવા દેવામાં આવ્યા નથી. ઘાંઘરિયામાં આશરે 1100 શ્રદ્ધાળુઓ ગુરુદ્વારામાં રોકાયા છે, જ્યારે 200થી 300 લોકો હોટલોમાં રોકાયા છે. ગોવિંદઘાટમાં પણ લગભગ 1200 યાત્રાળુઓને રોકવામાં આવ્યા છે.
કાલિંદી ટ્રેક પર 18 ટ્રેકર્સ સુરક્ષિત
ઉત્તરકાશીના કાલિંદી ટ્રેક પર 18 ટ્રેકર્સ અને પોર્ટરો ફસાયા હોવાની માહિતી બાદ પ્રશાસન સક્રિય બન્યું હતું. જોકે તમામ ટ્રેકર્સ બેઝ કેમ્પમાં સુરક્ષિત હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. તેમની સાથે સતત સંપર્ક જાળવી રાખવામાં આવી રહ્યો છે. હવામાન સુધર્યા બાદ હેલિકોપ્ટરથી સમગ્ર વિસ્તારની રેકી કરવામાં આવશે.
પિથોરાગઢમાં 1100 યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢ્યા
પિથોરાગઢ-ઘાટ નેશનલ હાઈવે (NH) પર પહાડોમાંથી સતત પથ્થરો અને બોલ્ડર પડતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. માર્ગ લગભગ 29 કલાક સુધી બંધ રહ્યો હતો. બંને તરફ મશીનો લગાવીને રસ્તો સાફ કરવામાં આવ્યો અને ત્યારબાદ ટ્રાફિક ફરી શરૂ કરાયો. એસડીઆરએફની ટીમે વૈકલ્પિક માર્ગ મારફતે આશરે 1100 યાત્રાળુઓને સુરક્ષિત રીતે પસાર કરાવ્યા.
રુદ્રનાથ ટ્રેક પર યાત્રાળુ ખીણમાં પડ્યા
ચમોલીના રુદ્રનાથ ટ્રેક પર પણ અકસ્માત સર્જાયો હતો. સગર ગામથી આશરે ચાર કિલોમીટર આગળ એક યાત્રાળુ પહાડ પરથી લપસીને લગભગ 150 મીટર ઊંડી ખીણમાં પડી ગયા હતા. એસડીઆરએફની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તેમને ખીણમાંથી બહાર કાઢ્યા અને સારવાર માટે મોકલ્યા.

