VIDEO: હવામાનની મોટી આગાહી: રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Monsoon Rain Forecast: દેશના ઘણા ભાગોમાં ચોમાસું હાલ સક્રિય છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના પ્રભાવથી આજે ઘણા રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, બિહાર સહિત ઉત્તર-પૂર્વ ભારત અને પૂર્વીય રાજ્યોમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદના અણસાર છે.
શું છે વરસાદી સિસ્ટમની સ્થિતિ?
સ્કાયમેટના અનુમાન પ્રમાણે મોન્સૂન ટ્રફ આ સમયે બીકાનેર, ચુરુ, લખનૌ, પટના, બાંકા, ડાયમંડ હાર્બરથી પસાર થઈને બંગાળની ખાડીના પૂર્વ-મધ્ય ભાગ સુધી ફેલાયેલી છે. બીજી તરફ, ઉત્તર બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જે સમુદ્ર સપાટીથી લગભગ 5.8 કિલોમીટરની ઊંચાઈ સુધી સક્રિય છે. આ સિવાય ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનની આસપાસ પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.
ઉત્તર-પૂર્વ અને પૂર્વીય રાજ્યોમાં વરસાદની આગાહી
હવામાનની આગાહી મુજબ, ઉત્તર-પૂર્વ ભારત, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તરી આંદામાન-નિકોબાર દ્વીપસમૂહમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલીક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય સિક્કિમ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ
ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને કચ્છમાં હવામાન વિભાગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યાં અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. બાકીના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના આજે નહીંવત છે.
રાજધાનીમાં વરસાદની નહીંવત સંભાવના
આ સિવાય પશ્ચિમી હિમાલયી પ્રદેશ, પંજાબના કેટલાક ભાગો, હરિયાણા, કોંકણ અને ગોવા, દરિયાકાંઠાના કર્ણાટક અને કેરળમાં હળવો વરસાદ થઈ શકે છે. દિલ્હીમાં હાલમાં વરસાદની કોઈ સંભાવના નથી. વરસાદ ન થવાને કારણે દિવસનું તાપમાન ફરી વધવા લાગ્યું છે. એક અઠવાડિયા બાદ મહત્તમ તાપમાન ફરી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.
જો કે, સપાટી પરના તેજ પવનોને કારણે તાપમાનમાં વધુ વધારો નહીં થાય અને મહત્તમ તાપમાન 37°Cની આસપાસ રહેવાની સંભાવના છે. સમગ્ર અઠવાડિયા દરમિયાન દિવસનું તાપમાન 36 થી 37 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં કોઈ મોટા વરસાદની સંભાવના નથી અને હવામાન મુખ્યત્વે ગરમ અને શુષ્ક રહેશે.

