VIDEO: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ, Parking માંથી 300થી વધુ ગાડીઓ પાણીમાં તણાઈ
જમ્મુ-કાશ્મીરમાં આભ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે ભારે વરસાદે ભારે તબાહી મચાવી છે. રાજ્યના રાજૌરી જિલ્લામાં મોડી રાત્રે શરૂ થયેલા અવિરત વરસાદના કારણે દરહાલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીનું પાણી રહેણાંક અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ જતાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જિલ્લા પ્રશાસન (District Administration) દ્વારા સતત નુકસાનીનું આકલન કરવામાં આવી રહ્યું છે અને નાગરિકોને ઈમરજન્સી (Emergency) વગર ઘરની બહાર ન નીકળવા કડક એડવાઈઝરી (Advisory) જાહેર કરવામાં આવી છે.
બસ સ્ટેન્ડ પાર્કિંગમાંથી 300થી વધુ વાહનો તણાયા
અહેવાલો અનુસાર, શનિવારથી શરૂ થયેલા વરસાદે રવિવારે સવારે વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રાજૌરીના બસ સ્ટેન્ડ નજીકના પાર્કિંગ એરિયા (Parking Area) માં નદીના પૂરના પાણી ખૂબ જ તીવ્ર ગતિએ ઘૂસી ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પૂર આવતા પહેલા આ પાર્કિંગમાં આશરે 300 થી 400 ગાડીઓ પાર્ક કરેલી હતી, જેમાંથી મોટાભાગની ગાડીઓ રાતોરાત પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ છે. હાલ ત્યાં માત્ર 40 થી 50 વાહનો જ દેખાઈ રહ્યા છે. સ્થાનિકોએ બચેલી ગાડીઓને બહાર કાઢવા માટે પ્રશાસન પાસે તાત્કાલિક જેસીબી (JCB) અને ક્રેન (Crane) ની મદદ માંગી છે.
https://TWITTER.com/PAHADI_YOUTH/status/2078681713266585972
વૈષ્ણોદેવી અને અમરનાથ યાત્રા સ્થગિત
જમ્મુ-કાશ્મીર સહિત આસપાસના પહાડી વિસ્તારોમાં આગામી દિવસોમાં પણ હવામાન (Weather) ખૂબ ખરાબ રહેવાની આગાહી કરવામાં આવી છે. કટરા અને ત્રિકુટા પહાડીઓ પર સતત વરસાદ અને ખરાબ વિઝિબિલિટી (Visibility) ને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. પ્રશાસન દ્વારા માતા વૈષ્ણોદેવી યાત્રા અને બાબા અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત (Suspended) કરી દેવામાં આવી છે. શ્રાઈન બોર્ડના જણાવ્યા અનુસાર, હવામાન સાફ થયા બાદ જ યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.
નેશનલ હાઈવે બ્લોક, પ્રશાસન એલર્ટ પર
ભારે વરસાદના કારણે જખિયાની અને ચેનાની વચ્ચે નેશનલ હાઈવેની 'અપ-ટ્યુબ' (Up-Tube) પર અનેક જગ્યાએ માટી ધસી પડવાની અને પથ્થરો પડવાની ઘટનાઓ બની છે, જેને સાફ કરવાનું કામ NHAI દ્વારા યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. બીજી તરફ 'ડાઉન-ટ્યુબ' પણ ક્ષતિગ્રસ્ત થતાં હાલ એક જ ટ્યુબ પરથી બંને તરફનો ટ્રાફિક પસાર કરવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગે (IMD) ગઈકાલે જ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી હતી. હાલ પ્રશાસન દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ ટીમો મોકલી દેવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદી-નાળાથી દૂર રહેવા અને સતર્ક રહેવા અપીલ કરાઈ છે.
માંજાકોટમાં વાદળ ફાટ્યું, કબ્રસ્તાન ધોવાઈ ગયું
રાજૌરીના માંજાકોટ તહસીલ હેઠળ આવતા કોટલી કલાબન અને ગોલીનારી વિસ્તારોમાં વાદળ ફાટવાની (Cloudburst) ઘટના બની છે. વાદળ ફાટવાના કારણે આવેલા અચાનક પૂરમાં સ્થાનિક કબ્રસ્તાન સંપૂર્ણપણે ધોવાઈને નજીકના વોંકળામાં વહી ગયું હતું, જેના લીધે અનેક કબરો નષ્ટ થઈ ગઈ છે. આ અભૂતપૂર્વ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભારે ગમગીની અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સિવાય થન્ના મંડી સબ-ડિવિઝનના ચુરુંગ, રાજધાની અને બેહરોટ વિસ્તારો પણ ખરાબ રીતે પ્રભાવિત થયા છે, જ્યાં એક ક્રશર યુનિટમાં કામ કરતા મજૂરો ફસાયા હોવાની માહિતી છે.

