Biharના ભાગલપુરમાં હૃદયદ્રાવક ઘટના; ગંગા નદીમાં સ્નાન કરવા ગયેલા 6 બાળકોનાં ડૂબી જવાથી મોત

બિહારના ભાગલપુરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં ગંગા નદીમાં ડૂબી જવાથી 6 બાળકોના મોત થયા છે. તમામ બાળકો કરમા-ધરમા પૂજા માટે સ્નાન કરવા નારાયણપુર દિયારા ગયા હતા. સુલતાનગંજ નગર પરિષદ વિસ્તારના વોર્ડ નંબર 27 સ્થિત વિષ્ણુ ટોલાના છ બાળકો કરમા-ધરમા પૂજા નિમિત્તે સ્નાન કરી રહ્યા હતા, આ દરમિયાન તમામ બાળકો ઊંડા પાણીમાં ઉતરી ગયા અને ડૂબી ગયા. આ અકસ્માતમાં છ બાળકોના મોત થયા છે. આ ઘટના તરૈટા નારાયણપુર વહિયારની હોવાનું કહેવાય છે. સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
તમામ બાળકો 12 વર્ષની ઉંમરના
તમામ બાળકો લગભગ 12 વર્ષની ઉંમરના હતા. કરમા-ધરમા પૂજા માટે બાળકો સ્નાન કરવા પૂરના પાણીમાં ગયા હતા. આ દરમિયાન તેઓ ઊંડા પાણીમાં ગયા અને ડૂબવા લાગ્યા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ તમામ બાળકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.
6 બાળકોના મોતથી શોકનો માહોલ
મૃતક બાળકોની ઓળખ પૂજા, જ્યોતિ, મિન્કી, રાહુલ, આયુષ અને વિકાસ તરીકે થઈ છે. તમામ સુલતાનગંજ નગર પરિષદના વોર્ડ નંબર 27 ના વિષ્ણુ ટોલાના રહેવાસી હોવાનું કહેવાય છે. અકસ્માતના સમાચાર મળતા જ મૃતક બાળકોના પરિવારજનોમાં ભારે આક્રંદ મચી ગયો હતો. એક સાથે છ બાળકોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પૂજા નિમિત્તે બાળકો સ્નાન કરવા પૂરના પાણીમાં ગયા હતા. પૂરના કારણે વિસ્તારમાં અગાઉથી જ પાણી ભરાયેલા છે. આવી પરિસ્થિતિમાં ઊંડા પાણીમાં જવાથી આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો.
પરિવારજનોમાં ભારે આક્રંદ
ઘટના બાદ સ્થાનિક લોકોએ પૂરના પાણીમાં બાળકોના જવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. લોકોએ તંત્ર પાસે આવા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારવા અને બાળકોને પૂરના પાણીથી દૂર રાખવા માટે જાગૃતિ અભિયાન ચલાવવાની માંગ કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, પૂર દરમિયાન પાણી ભરાયેલા સ્થળો પર વિશેષ દેખરેખ જરૂરી છે, જેથી આ પ્રકારના અકસ્માતોને રોકી શકાય. વહિવટી તંત્ર દ્વારા ઘટના અંગેની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ વિસ્તારમાં ભારે શોકનો માહોલ છે, અને પરિવારોને સંભાળવા મુશ્કેલ બની રહ્યા છે.

