VIDEO: "પહેલાં અમારી જમીન પાછી આપો, પછી વાત કરો!" ચીની રાષ્ટ્રપતિના આગમન પહેલાં સંજય રાઉત લાલઘૂમ
ભારત અને ચીન વચ્ચેના સંબંધો તેમજ સરહદી વિવાદને લઈને શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભારતની મુલાકાતે આવી રહેલા ચીનના રાષ્ટ્રપતિ સમક્ષ ગલવાન અને લદ્દાખ મુદ્દે કડક વલણ અપનાવવાની માંગ કરી છે, જ્યારે બીજી તરફ ભારત આવેલા ઈરાનના રાષ્ટ્રપતિની ખુમારીની મુક્તકંઠે પ્રશંસા કરી છે.
સંજય રાઉતે જણાવ્યું હતું કે, "વડાપ્રધાન મોદીએ ભારત આવી રહેલા ચીનના રાષ્ટ્રપતિને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવું જોઈએ કે તેઓ પહેલાં લદ્દાખ અને ગલવાનના જે વિસ્તારોમાં ઘૂસણખોરી કરી છે ત્યાંથી પોતાના સૈનિકો પાછા બોલાવે અને આપણી જમીન આપણને પરત સોંપે."
બંને દેશો વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી વાટાઘાટો પર સવાલ ઉઠાવતા તેમણે ઉમેર્યું કે, "છેલ્લા બે વર્ષમાં ચીન સાથે 25 તબક્કાની ચર્ચાઓ થઈ ચૂકી છે, પરંતુ તેમ છતાં સંબંધોમાં શું સુધારો થયો છે? જમીની વાસ્તવિકતામાં કોઈ ફેર પડ્યો નથી."
બીજી તરફ, ઈરાનના રાષ્ટ્રપતિના ભારતના પ્રવાસને અત્યંત મહત્વપૂર્ણ ગણાવતાં રાઉતે કહ્યું કે, "મેં જોયું કે ઈરાનના રાષ્ટ્રપતિ દિલ્હીમાં એક 'સિંહ'ની અદા અને ગૌરવ સાથે આવ્યા છે. ઈઝરાયેલ અને અમેરિકા જેવી મહાસત્તાઓ સામે ઈરાને પોતાની તાકાત, ખુમારી અને આત્મસન્માન સાબિત કરી બતાવ્યા છે."
વૈશ્વિક સંબંધો પર કટાક્ષ કરતાં તેમણે અંતમાં ઉમેર્યું હતું કે, "ઈરાન સિવાયના બાકીના દેશો તો માત્ર વેપારી છે; ચીન પણ એક વેપારી છે અને અમેરિકા પણ માત્ર વેપાર જ સમજે છે." રાઉતના આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને સરહદી મુદ્દાઓ પર ફરી એકવાર રાજકીય ચર્ચા છેડાઈ ગઈ છે.

