Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Former Calcutta High Court judge's name missing from voter list

'મેં બે વાર ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે', કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજનું નામ મતદાર યાદીમાંથી ગાયબ

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
'મેં બે વાર ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે', કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજનું નામ મતદાર યાદીમાંથી ગાયબ
સોર્સ : GSTV

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ શાહિદુલ્લાહ મુનશીનું નામ મતદાર યાદીમાં 'નોટ ફાઉન્ડ' ગણાવી દીધું છે. ચોંકાવનારી વાત એ છે કે, તેમણે બે વાર પોતાના ડૉક્યુમેન્ટ જમા કરાવ્યા હતા અને ચૂંટણી પંચની ચકાસણી પ્રક્રિયામાંથી પણ પસાર થયા હતા. પૂર્વ જજે કહ્યું કે, 'મને સમજાતું નથી કે મારે કોનો સંપર્ક કરવો.'

App Store

પ્રથમ ડ્રાફ્ટ અને ડૉક્યુમેન્ટની ચકાસણી

પૂર્વ જજ મુનશી અને તેમના પરિવારના સભ્યોના નામ મતદાર યાદીના પહેલા ડ્રાફ્ટમાં પણ સામેલ ન હતા. મુનશીએ જણાવ્યું કે, 'પ્રથમ SIR નોટિફિકેશ જારી થયા બાદ મેં મારી પત્ની અને દીકરા સાથે બૂથ લેવલ ઓફિસર (BLO) ને તમામ જરૂરી ડૉક્યુમેન્ટ આપ્યા હતા. ડ્રાફ્ટમાં નામ ન આવવા બદલ અમે ચિંતિત થયા. ત્યારબાદ અમને એન્ટાલી સ્થિત ચૂંટણી પંચની ઓફિસમાં બોલાવવામાં આવ્યા, જ્યાં અધિકારીઓએ ડૉક્યુમેન્ટની નવેસરથી ચકાસણી કરી. ત્યાં મેં ફરીથી બધા ડૉક્યુમેન્ટ આપ્યા અને અધિકારીઓએ મને ખાતરી આપી કે હવે આ મામલો ઉકેલાઈ જશે.'

પૂરક યાદીમાં વિસંગતતાઓ અને કોઈ રસીદ ન આપી

સત્તાવાર આંકડા પ્રમાણે ગત વર્ષે નવેમ્બરમાં SIR પ્રક્રિયા શરૂ થઈ ત્યાર બાદથી મતદારોની સંખ્યા લગભગ 8.3 ટકા એટલે કે 63.66 લાખ નામો હટાવી દેવામાં આવ્યા છે. આનાથી મતદારોની સંખ્યા લગભગ 7.66 કરોડથી ઘટીને 7.04 કરોડ રહી ગઈ છે. તેના ઉપરાંત 60.06 લાખથી વધુ મતદારોને વિચારાધીન શ્રેણીમાં રાખવામાં આવ્યા છે, અને ન્યાયિક અધિકારીઓ દ્વારા ચકાસણીના માધ્યમથી મતદારો તરીકે તેમની યોગ્યતા નક્કી કરવામાં આવી રહી છે.

પરિસ્થિતિને અત્યંત દુઃખદ ગણાવતા નિવૃત્ત જજે કહ્યું કે, 'અત્યાર સુધીમાં ફક્ત મારું નામ હટાવવામાં આવ્યું છે, જ્યારે મારી પત્ની અને પુત્રના નામ હજુ પણ વિચારાધીન છે. આ ખૂબ જ અપમાનજનક અને પજવણી સમાન છે. મને સમજાતું નથી કે આ નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યો અને કયા આધારે મારું નામ હટાવવામાં આવ્યું. હું ટૂંક સમયમાં મતદાર યાદીમાં મારું નામ પુનઃસ્થાપિત કરવા માટે એપેલેટ ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરીશ.' જ્યારે પૂરક યાદી પ્રકાશિત કરવામાં આવી, ત્યારે મુનશીના પરિવારના સભ્યોની સ્થિતિ અલગ દેખાડવામાં આવી છે.

પૂર્વ જજે ચિંતા વ્યક્ત કરી

મુનશીએ એ વાત પર ચિંતા વ્યક્ત કરી કે, 'મને નામ હટાવવા પાછળનું કોઈ કારણ નથી જણાવવામાં આવ્યું. આ ઉપરાંત જમા કરાવવામાં આવેલ દસ્તાવેજોની કોઈ રસીદ પણ મને નથી આપવામાં આવી. જો કાલે તેઓ કહેશે કે દસ્તાવેજો સાચા નથી, તો મને નથી ખબર કે હું શું કરીશ કારણ કે મને કોઈ રસીદ આપવામાં નથી આવી નથી.'

સામાન્ય નાગરિકની જેમ વ્યવહારની ચાહ

પૂર્વ જજે સ્પષ્ટ કર્યું કે, 'મેં જાણી જોઈને પોતાના પદના પ્રભાવનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું. હું એવા કોઈ દસ્તાવેજો સબમિટ કરવા નહોતો માગતો જેનાથી એ જાહેર થાય કે હું હાઈકોર્ટનો પૂર્વ જજ છું. હું ઈચ્છતો હતો કે મારી સાથે એક સામાન્ય નાગરિકની જેમ વ્યવહાર કરવામાં આવે, તેથી મેં મારા પાસપોર્ટ સહિત તમામ ડૉક્યુમેન્ટ જમા કર્યા હતા.' 
 
મુનશીએ ચૂંટણી પંચ દ્વારા સ્થાપિત અપીલ ટ્રિબ્યુનલ્સની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, 19 ટ્રિબ્યુનલ બનાવવામાં આવેલ છે જે ફક્ત કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે અને તેમની કામગીરી માટે સ્પષ્ટ માર્ગદર્શિકા નથી. કુદરતી ન્યાયના ઉલ્લંઘન સિવાય તેમની પાસે અપીલ માટે કોઈ સ્પષ્ટ આધાર નથી. જો ટ્રિબ્યુનલમાંથી રાહત ન મળે, તો હું કલમ 226 હેઠળ હાઇકોર્ટનો દરવાજો ખખડાવીશ. 

પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની આ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) કવાયતમાં મતદાર યાદીઓની નવેસરથી ચકાસણી, ડ્રાફ્ટનું પ્રકાશન અને દાવાઓ/વાંધાઓ સાથે જોડાયેલ છે. આ સમગ્ર પ્રક્રિયા સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ચાલી રહી છે, જેણે ચકાસણી અને વાંધાઓ માટે પૂરતી તકો આપવાનો નિર્દેશ આપ્યો છે. 20 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને ભારતીય ચૂંટણી પંચ (ECI) વચ્ચે સંકલનના અભાવને ધ્યાનમાં રાખીને એક આદેશ પસાર કર્યો હતો. ત્યાર બાદથી આ સમગ્ર પ્રક્રિયા ત્રણ રાજ્યોના ન્યાયિક અધિકારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે.