VIDEO: ‘વિદેશ નીતિ એટલે ગળે મળવું?’ રાહુલ ગાંધીના કટાક્ષ બાદ BJPનો ઈન્દિરા ગાંધીના ફોટા સાથે પલટવાર
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સરકારની વિદેશ નીતિ પર નિશાન સાધ્યું હતું. 'રચનાત્મક કોંગ્રેસ' સંમેલનમાં કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતને ગળે લગાવીને રાહુલે બતાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગળે મળવાને જ વિદેશ નીતિ સમજી બેઠા છે. રાહુલના આ વર્તન પર ભાજપના નેતાઓએ સવાલો ઉઠાવતા તીખો હુમલો બોલ્યો છે.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધીની માનસિક સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ટ્રો અને ફિલિપાઇન/ફિલીસ્તીની નેતા યાસર અરાફાત સાથેના ફોટા અને વિડીયો શેર કરીને નિશાન સાધ્યું હતું. નિશિકાંત દુબેથી લઈને ભાજપના સાંસદ વાંસુરી સ્વરાજ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને ગિરિરાજ સિંહ સહિતના અનેક નેતાઓએ રાહુલ ગાંધીની આકરી ટીકા કરી છે.
પહેલાં સમજી લો કે મામલો ક્યાંથી શરૂ થયો?
દિલ્હીના માવલંકર હોલમાં ગુરુવારે રચનાત્મક કોંગ્રેસના રાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનમાં ક્યાંક ને ક્યાંક એ વાત બેસી ગઈ છે કે વિદેશ નીતિનો અર્થ નેતાઓને ગળે મળવું છે. ત્યારબાદ રાહુલ ગાંધીએ સંદીપ દીક્ષિતને ભેંટીને બતાવ્યું કે વર્તમાન સરકાર માટે વિદેશ નીતિનો અર્થ શું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, જરા વિચારો, કેટલી અજ્ઞાનતા છે. તેમને આ વિચાર ક્યાંથી આવ્યો કે વિદેશ નીતિનો અર્થ નેતાઓને ભેંટવું જ છે. રાહુલ ગાંધીના ભેંટ્યા બાદ સંદીપ દીક્ષિતે રમૂજ કરી હતી કે, "મેલોની સમજીને તો નથી ભેંટ્યા ને?" જેના પર રાહુલે કોઈ સીધો જવાબ આપ્યો નહોતો પરંતુ કાર્યક્રમમાં હાજર લોકો હસી પડ્યા હતા. હવે આ જ મામલે ભાજપ આક્રમક રીતે કોંગ્રેસ પર તૂટી પડ્યું છે.
ભાજપ કેવી રીતે આપી રહ્યું છે જવાબ?
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ભારત દેશના વડાપ્રધાન તરીકે ક્યુબા યાત્રા દરમિયાન ઇન્દિરા ગાંધીનો એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં ઇન્દિરા ગાંધીને ક્યુબાના રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ટ્રો ગળે મળી રહ્યા છે. નિશિકાંત દુબેએ આ વિડીયો-ફોટો શેર કરતા સવાલ પૂછ્યો કે રાહુલ ગાંધી તમે બતાવો કે આને શું કહેવાય?
આ સાથે નિશિકાંત દુબેએ આઠ વર્ષ પહેલાં લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા પીએમ મોદીને ગળે લગાવવાની વાયરલ થયેલી તસવીર પણ શેર કરી હતી. ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ પણ રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું અને કહ્યું કે, જેઓ ઊંચાઈ સુધી નથી પહોંચી શકતા તેઓ મર્યાદાઓ નેવે મૂકીને અભદ્ર વર્તન કરે છે.
તાવડેથી લઈને બાંસુરી સ્વરાજે સાધ્યું નિશાન
રાજ્યસભા સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પણ રાહુલ ગાંધી પર હુમલો કર્યો. તેમણે X પર લખ્યું કે, દેશના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા એક સાર્વભૌમ દેશના રાષ્ટ્રાધ્યક્ષ અને ભારતીય વડાપ્રધાન પર અશોભનીય ટિપ્પણીઓ કરવી અત્યંત અપમાનજનક છે. ભારતીય વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોને લઈને આવું આચરણ ભારતીય રાજકારણને શરમજનક બનાવે છે.
ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીઓ કરી છે. તેઓ વિપક્ષના નેતા ઓછા અને એક નિષ્ફળ સ્ટેન્ડ-અપ કોમેડિયન વધુ લાગી રહ્યા હતા. તેઓ હલકી કક્ષાની વાતો કરી રહ્યા હતા. તેમની ભાષા વિપક્ષના નેતાના પદની ગરિમા વિરુદ્ધ હતી.
હિમંતથી લઈને પ્રહલાદ જોશીએ પણ ઉઠાવ્યા સવાલ
અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધતા X પર લખ્યું કે, 'કોંગ્રેસના વંશવાદી નેતૃત્વએ ફરી એકવાર શાલિનતાની તમામ સીમાઓ વટાવી દીધી છે. એક મિત્ર દેશના મહિલા રાષ્ટ્રાધ્યક્ષ વિશે આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી. આ માત્ર રાજકીય અસભ્યતા નથી, પરંતુ ભારતના વિદેશ સંબંધોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ છે.'
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'રાહુલ ગાંધીમાં હતાશા અને નિરાશા સ્પષ્ટપણે જોઈ શકાય છે. લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન વિરુદ્ધ રાહુલ ગાંધી જે ભાષાનો ઉપયોગ કરે છે તે જુઓ. વિરોધી નેતાઓની ટીકા કરતી વખતે હંમેશા મૂળભૂત શિષ્ટાચાર જાળવવામાં આવે છે, જેનો તેમણે ત્યાગ કર્યો છે.'

