Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Foreign cars and wines will now be cheaper in India! This historic India-Europe agreement will change the picture of the market!

હવે ભારતમાં સસ્તી થશે વિદેશી કાર અને વાઈન! ભારત-યુરોપના આ ઐતિહાસિક કરારથી બદલાઈ જશે બજારનું ચિત્ર!

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
હવે ભારતમાં સસ્તી થશે વિદેશી કાર અને વાઈન! ભારત-યુરોપના આ ઐતિહાસિક કરારથી બદલાઈ જશે બજારનું ચિત્ર!
સોર્સ : gstv

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે એક ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) લાગુ કરવાની દિશામાં મહત્વનું પગલું ઉઠાવવામાં આવ્યું છે. યુરોપિયન કમિશને EU કાઉન્સિલને આ કરાર પર હસ્તાક્ષર કરવા અને તેને આખરી ઓપ આપવા માટે સત્તાવાર પ્રસ્તાવ સોંપ્યો છે. કાઉન્સિલ તરફથી મંજૂરી મળ્યા બાદ, આ બંને પક્ષોના ઇતિહાસનો સૌથી મોટો વેપાર કરાર બની જશે.

App Store

96% યુરોપિયન ઉત્પાદનોના ટેરિફમાં કાપ

યુરોપિયન કમિશનના જણાવ્યા અનુસાર, આ કરાર લાગુ થવાથી EU અને ભારત વચ્ચે વેપાર ખર્ચમાં મોટો ઘટાડો થશે. ભારત મોકલવામાં આવતા કુલ યુરોપિયન નિકાસના 96% હિસ્સા પર સીમા શુલ્ક (કસ્ટમ ડ્યુટી) કાં તો સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે અથવા નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવશે. આનાથી યુરોપિયન કંપનીઓને વાર્ષિક આશરે 4 બિલિયન યુરો (લગભગ ₹36,000 કરોડ) ની બચત થશે. એજન્સીના અંદાજ મુજબ 2032 સુધીમાં EU થી ભારત થતી નિકાસ બમણી થઈ જશે.

ઓટોમોબાઈલ, વાઈન અને ઔદ્યોગિક સામાન પર અસર

આ FTA લાગુ થયા બાદ ભારત આવતી યુરોપિયન કાર પરનો ટેરિફ તબક્કાવાર 110% થી ઘટાડીને 10% કરવામાં આવશે. ઓટો પાર્ટ્સ પરનો ટેક્સ 5 થી 10 વર્ષમાં નાબૂદ થશે. યુરોપિયન વાઈન પર હાલનો 150% આયાત દર ઘટીને 75% અને બાદમાં 20% થઈ જશે. ઓલિવ ઓઈલ પરનો 45% ચાર્જ 5 વર્ષમાં નાબૂદ કરાશે, જ્યારે બ્રેડ અને કન્ફેક્શનરી પરનો 50% સુધીનો ચાર્જ સંપૂર્ણ હટાવી દેવાશે.

સંવેદનશીલ કૃષિ ઉત્પાદનોને બહાર રખાયા

બંને પક્ષોએ પોતાના સંવેદનશીલ કૃષિ ક્ષેત્રોની સુરક્ષા માટે ખાસ જોગવાઈ કરી છે. EU અનુસાર, બીફ, ચિકન, ચોખા, ખાંડ અને અન્ય સંવેદનશીલ કૃષિ ઉત્પાદનો માટે વર્તમાન સુરક્ષાના ઉપાયો યથાવત રહેશે. ભારતીય ઉત્પાદનોએ EU માર્કેટમાં પ્રવેશવા માટે તેમના સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષાના માપદંડોનું પાલન કરવું પડશે.

સર્વિસ સેક્ટરમાં પણ માર્કેટ સુધી પહોંચ વધશે

આ પ્રસ્તાવિત કરાર માત્ર સામાનના વેપાર પૂરતો મર્યાદિત નથી. તેમાં ભારતના સર્વિસ સેક્ટરમાં EU કંપનીઓ માટે માર્કેટ એક્સેસ વધારવાની જોગવાઈઓ છે, ખાસ કરીને ફાઈનાન્શિયલ સર્વિસિસ અને દરિયાઈ પરિવહન ક્ષેત્રે. ઉપરાંત, પર્યાવરણ સંરક્ષણ, ક્લાઈમેટ ચેન્જ, મજૂર અધિકારો અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર ટકાઉ વિકાસ (Sustainable Development) નો અધ્યાય પણ સામેલ છે.

2007 માં શરૂ થઈ હતી વાટાઘાટો

ભારત અને EU વચ્ચે FTA પર વાટાઘાટો વર્ષ 2007 માં શરૂ થઈ હતી, જે 2013 માં અટકી ગઈ હતી અને 2022 માં ફરી શરૂ થઈ હતી. ઓક્ટોબર 2025 માં 14મો આખરી રાઉન્ડ પૂર્ણ થયા બાદ, 27 જાન્યુઆરી 2026 ના રોજ નવી દિલ્હીમાં 16મા ભારત-EU શિખર સંમેલનમાં વાટાઘાટો પૂર્ણ થયાની સત્તાવાર જાહેરાત કરાઈ હતી.

FTA હજુ તાત્કાલિક લાગુ થયો નથી

પ્રસ્તાવ રજૂ થવાનો અર્થ એ નથી કે FTA તાત્કાલિક લાગુ થઈ ગયો છે. સૌપ્રથમ EU કાઉન્સિલની મંજૂરી મળ્યા બાદ હસ્તાક્ષર થશે, ત્યારબાદ યુરોપિયન પાર્લામેન્ટ અને ભારત સરકારની આંતરિક મંજૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી જ આ કરાર અમલમાં આવશે.

ટોપિક્સ:GSTV NewsGujarati News